<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

દિલ્હીમાં ઇન્ફલ્યુએન્ઝાનો ભારે કોપ: H1N1 (સ્વાઇન ફ્લૂ) ના કેસ ૨,૩૦૦ ને વટાવી જતાં ધમાસાણ, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બોલાવી કટોકટી આરોગ્ય સમીક્ષા બેઠક

રાજધાનીમાં મોસમી ફ્લૂ અને વેક્ટર-જન્ય રોગોના વધતા કેસોથી હાહાકાર: તમામ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર, બેડ ન આપનાર હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની ચેતવણી.

નવી દિલ્હી, તા.૨૫: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મોસમી ઇન્ફલ્યુએન્ઝા અને સ્વાઇન ફ્લૂ (H1N1) ના કેસોમાં અચાનક થયેલા ચિંતાજનક વધારાને પગલે હડકંપ મચી ગયો છે. દિલ્હીમાં વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તાત્કાલિક અસરથી કટોકટી આરોગ્ય સમીક્ષા બેઠક બોલાવી છે. આરોગ્ય વિભાગ, MCD, NDMC અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે પત્રકાર પરિષદ યોજીને દિલ્હીવાસીઓને ગભરાવાની જગ્યાએ જાગૃત રહેવા અપીલ કરી છે.

 

આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં આ વર્ષે ઈન્ફલ્યુએન્ઝાના કુલ ૩,૦૦૦ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી એકલા H1N1 (સ્વાઇન ફ્લૂ) ના ૨,૩૦૮ કેસ સામે આવ્યા છે. આમ, દિલ્હીમાં ફેલાયેલા ફ્લૂના કિસ્સાઓમાં સ્વાઇન ફ્લૂનો પ્રકોપ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. મંત્રીએ લોકોને આશ્વાસન આપતાં ભારપૂર્વક કહ્યું હતું કે, "તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી."

 

સરકારે દિલ્હીની તમામ હોસ્પિટલોને ઈન્ફલ્યુએન્ઝા અને વેક્ટર-જન્ય રોગો (ડેન્ગ્યુ, મલેરિયા) ના દર્દીઓ માટે તાત્કાલિક આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. આરોગ્ય મંત્રીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે જો કોઈ દર્દીને હોસ્પિટલમાં બેડ ન મળવાની કે સારવાર ન આપવાની ફરિયાદ મળશે, તો તે સંબંધિત હોસ્પિટલ પ્રશાસન સામે આકરાં પગલાં લેવામાં આવશે. મોટાભાગના દર્દીઓ ઓપીડી (OPD) માં સારવાર લઈને ઘરે પરત ફરી રહ્યા છે.

 

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, H1N1 સંક્રમણમાં સામાન્ય રીતે સતત તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, શરીરમાં સખત દુખાવો અને ભારે થાક જેવા લક્ષણો જોવા મળે છે. જો કોઈ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં દુખાવો થાય કે લક્ષણો વધુ ગંભીર બને તો તેમણે વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએ સાવચેતી રાખવા અને સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવા સલાહ આપવામાં આવી છે.

 

(4:51 PM IST)