<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

મહારાષ્ટ્ર અને તેલંગાણા વચ્ચે પ્રગતિનો નવો અધ્યાય: મુંબઈથી હૈદરાબાદ હવે માત્ર ૪ કલાકમાં, બુલેટ ટ્રેનના નવા હાઈ-સ્પીડ કોરિડોર માટેની આખરી રૂપરેખા તૈયાર

૧૫ કલાકની મુસાફરી હવે ચપટીમાં પૂરી થશે: ૭૧૧ કિલોમીટરથી વધુ લાંબો કોરિડોર પશ્ચિમ અને દક્ષિણ ભારતને જોડશે, જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ.

મુંબઈ, તા.૨૫: અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સફળ કામગીરી બાદ હવે દેશના પશ્ચિમ અને દક્ષિણ ભાગને જોડતા વધુ એક મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના દ્વાર ખુલી ગયા છે. મુંબઈ-પુણે-હૈદરાબાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા હાથ ધરવામાં આવેલો વિસ્તૃત સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે અને આ હાઈ-સ્પીડ કોરિડોર માટેની પ્રાથમિક રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી છે. આ રૂટને દેશના સાત પ્રાથમિકતા ધરાવતા બુલેટ ટ્રેન કોરિડોરમાં સામેલ કરવામાં આવ્યો છે, જેના માટે સંબંધિત રાજ્યોમાં જમીન સંપાદનની પ્રક્રિયા પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

 

આશરે ૭૧૧ થી ૭૬૭ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં પથરાનારા આ કોરિડોરના નિર્માણ બાદ મુંબઈથી હૈદરાબાદ વચ્ચેનો મુસાફરીનો સમય નાટ્યાત્મક રીતે ઘટી જશે. જે મુસાફરીમાં અત્યાર સુધી રેલ કે રોડ માર્ગે ૧૫ કલાક જેટલો લાંબો સમય જતો હતો, તે હવે બુલેટ ટ્રેન દ્વારા માત્ર ૪ કલાકમાં જ પૂરી થઈ શકશે. આ પ્રોજેક્ટમાં પુણે શહેર મુખ્ય પડાવ તરીકે ભૂમિકા ભજવશે. મુંબઈ અને પુણે વચ્ચેના ૧૫૦ કિલોમીટરના રૂટ પર બીકેસી (BKC), નવી મુંબઈ, લોનાવલા, પિંપરી અને ચિંચવડ જેવા મહત્વના સ્ટેશનો બનાવવામાં આવશે. ત્યારબાદ આ લાઇન પુણેથી આગળ વધીને સોલાપુર, કાલબુર્ગી અને ઝહિરાબાદ થઈને હૈદરાબાદ પહોંચશે.

 

આ બુલેટ ટ્રેન શરૂ થવાથી દેશની નાણાકીય રાજધાની મુંબઈ અને આઈટી-શિક્ષણના મુખ્ય કેન્દ્ર પુણે વચ્ચેનું અંતર માત્ર એક કલાકનું રહી જશે, જે બે મોટા આર્થિક કેન્દ્રોને વધુ નજીક લાવશે. વધુમાં, આ હાઈ-સ્પીડ લાઈન નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (શમશાબાદ) સાથે સીધી કનેક્ટિવિટી આપશે.

 

મહારાષ્ટ્રના સોલાપુર અને કર્ણાટકના કાલબુર્ગી જેવા ઔદ્યોગિક વિસ્તારોને આ કોરિડોર સાથે જોડવાથી તે વિસ્તારોમાં મોટા પાયે નવું રોકાણ આવશે અને સ્થાનિક સ્તરે રોજગારની હજારો નવી તકો ઊભી થશે. આ સફળ આયોજન બાદ આગામી સમયમાં હૈદરાબાદ-બેંગ્લુરુ અને હૈદરાબાદ-ચેન્નઈ વચ્ચે પણ બુલેટ ટ્રેન કોરિડોર ફિક્સ થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

(4:58 PM IST)