<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

બલૂચિસ્તાનનો મોટો ઐતિહાસિક નિર્ણય: પાકિસ્તાન અને બ્રિટિશ શાસન સાથે જોડાયેલા તમામ નામો અને પ્રતીકો હટાવાશે, રાષ્ટ્રીય ઓળખ પુનઃસ્થાપિત કરવા કવાયત શરૂ

જિન્ના રોડ, ફાતિમા જિન્ના રોડ અને ઇકબાલ રોડ જેવા નામો તબક્કાવાર બદલાશે: રસ્તાઓ, એરપોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓને હવે બલૂચ સંસ્કૃતિ અને શહીદોના નામ અપાશે.

ક્વેટા, તા.૨૫: પાકિસ્તાનથી આઝાદીની માંગ કરી રહેલા 'ધ રિપબ્લિક ઓફ બલૂચિસ્તાન' દ્વારા પોતાની રાષ્ટ્રીય ઓળખ અને ઐતિહાસિક વારસાને ફરીથી સ્થાપિત કરવા માટે એક બહુ મોટો અને નિર્ણાયક આદેશ જારી કરવામાં આવ્યો છે. બલૂચિસ્તાનની ધરતી પરથી પાકિસ્તાન, બ્રિટિશ શાસન કે ભૂતકાળના વિદેશી કબજા સાથે જોડાયેલા તમામ નામો, ચિહ્નો અને પ્રતીકોને તબક્કાવાર દૂર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ૧૧ ઓગસ્ટ, ૧૯૪૭ને પોતાની આઝાદીનો પાયો ગણાવતા બલૂચ નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ બલૂચિસ્તાનના પોતાના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિને જીવંત કરવાનો છે.

 

આ વ્યાપક સમીક્ષા અભિયાન હેઠળ બલૂચિસ્તાનભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એરપોર્ટ્સ, દરિયાઈ બંદરો, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી ઇમારતો, બગીચાઓ અને જાહેર ચાર રસ્તાઓના નામોની ચકાસણી કરવામાં આવશે. ક્વેટા સહિતના તમામ મુખ્ય શહેરોમાં આવેલા જિન્ના રોડ, ફાતિમા જિન્ના રોડ અને ઈકબાલ રોડ જેવા પાકિસ્તાની ઓળખ ધરાવતા નામોને બદલીને તેમના સ્થાને બલૂચિસ્તાનના સ્થાનિક નેતાઓ, શહીદો, પ્રાચીન ઇતિહાસ અને ભૂગોળ સાથે જોડાયેલા નવા નામો આપવામાં આવશે.

 

આ ઉપરાંત ખનિજ પ્રોજેક્ટ્સ, ગેસ ક્ષેત્રો, ઓઇલ વેલ્સ, ડેમ, બેંકો, મોલ્સ અને રિસોર્ટ્સના નામો પણ બલૂચિસ્તાનની રાષ્ટ્રીય અસ્મિતાને અનુરૂપ ફેરવવામાં આવશે. બલૂચ નેતૃત્વનું માનવું છે કે કોઈ પણ દેશની આઝાદી માત્ર રાજકીય જાહેરાતો સુધી સીમિત ન રહેવી જોઈએ, પરંતુ તે તેના જાહેર જીવન, ભાષા અને સાંસ્કૃતિક પ્રતીકોમાં પણ દેખાવી જોઈએ. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય કોઈ દેશ કે સમુદાય પ્રત્યેના દ્વેષથી નહીં, પરંતુ પોતાની ઓળખ મેળવવાના હેતુથી લેવાયો છે.

 

સ્થળોના નામ બદલવાની આ મહત્વકાંક્ષી કવાયત દ્વારા નવી પેઢીને બલૂચિસ્તાનના ભવ્ય અને સમૃદ્ધ વારસાથી માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જાહેર સંસ્થાઓને સ્થાનિક ઓળખ આપીને બલૂચ અસ્મિતાને પુનઃજીવિત કરવાની દિશામાં આ એક ઐતિહાસિક પગલું સાબિત થશે.

(5:01 PM IST)