<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ભારતીય કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ: ઈરાન સાથેના વેપાર મુદ્દે અમેરિકાની મોટી કાર્યવાહી, 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ ભારતની ૪ મોટી કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ

ઈરાનથી કરોડો ડોલરના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ગેરકાયદેસર આયાત કરવાનો આરોપ: યુએસ વિદેશ વિભાગે કંપનીઓના ડિરેક્ટરો અને પાર્ટનરોના નામો પણ કર્યા જાહેર.

વોશિંગ્ટન ડીસી, તા.૨૫: અમેરિકી વિદેશ વિભાગ (US State Department) દ્વારા ઈરાન સામેના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો ભંગ કરવા બદલ ભારતની ચાર અગ્રણી કંપનીઓ સામે અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. અમેરિકાએ 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ કાર્યવાહી કરતા આ ચારેય ભારતીય કંપનીઓ પર ઈરાન સાથે જોડાયેલા પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ વેપાર નેટવર્કનો ભાગ બનવાનો અને ઈરાની ઉત્પાદનો ખરીદવા તથા પરિવહન કરવાનો આરોપ મૂકીને તેમને પ્રતિબંધિત (Sanctioned) ઘોષિત કરી છે.

 

યુએસ વિદેશ વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, પ્રતિબંધિત કંપનીઓમાં પોર્ટઈઝ પાર્ટનર્સ LLP, સદાશિવા ઓવરસીઝ લિમિટેડ, પીપી સોફ્ટટેક પ્રાઈવેટ લિમિટેડ અને પ્રકૃતિઝ ઈન્ફ્રા ઈમ્પેક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. અમેરિકી તંત્રનો દાવો છે કે પોર્ટઈઝ પાર્ટનર્સ એલએલપીએ ઈરાનથી ભારતમાં પેટ્રોકેમિકલ ઉત્પાદનોના અનેક કન્સાઇનમેન્ટ્સ લાવવામાં મદદ કરી હતી, જેમાં ભારતીય નાગરિકો ઈન્દ્રિસમિયા અશરફમિયા શેખ અને હરીશ રામચંદ્ર રંગીનો નામાંકિત ભાગીદારો તરીકે ઉલ્લેખ કરાયો છે.

 

આ ઉપરાંત, સદાશિવા ઓવરસીઝ લિમિટેડ પર ફેબ્રુઆરી ૨૦૨૪ થી જૂન ૨૦૨૫ વચ્ચે આશરે ૬.૯ કરોડ ડૉલર મૂલ્યના ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી અને આયાત કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. તેવી જ રીતે, પીપી સોફ્ટટેક પ્રાઈવેટ લિમિટેડ (ડિરેક્ટર પ્રશાંત ગર્ગ) પર ૨.૫ કરોડ ડૉલર અને પ્રકૃતિઝ ઈન્ફ્રા ઈમ્પેક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ પર મે ૨૦૨૩ થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન આશરે ૨.૫ કરોડ ડૉલર મૂલ્યના ઈરાની મૂળના ઉત્પાદનોની આયાત કરવાના આરોપસર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

 

અમેરિકી સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનના તેલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રને નાણાકીય સહાય આપતી કે તેની સાથે મોટો આર્થિક વ્યવહાર કરતી કોઈપણ વિદેશી સંસ્થા કે કંપની સામે આ પ્રકારની આકરી સજાત્મક કાર્યવાહી ચાલુ જ રહેશે. વિદેશી સત્તા મંડળ દ્વારા એકસાથે ચાર ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકાતા આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે મોટો રાજદ્વારી અને આર્થિક ગરમાવો આવી ગયો છે.

 

(5:33 PM IST)