<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી બનશે ઐતિહાસિક: આ વખતે ૫૦૦ ડ્રોનના ભવ્ય શોથી આકાશમાં જીવંત થશે કાનુડાની બાલલીલાઓ, ભક્તો માટે અનોખું આકર્ષણ

શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનો અદ્ભુત સંગમ: ૪ સપ્ટેમ્બરે રાત્રે ૫૦૦ ડ્રોન એકસાથે મથુરાના આકાશમાં ગગનચુંબી આકૃતિઓ રચશે, ૩ થી ૪ કિલોમીટર દૂરથી નિહાળી શકાશે આ મનોહર દ્રશ્ય.

મથુરા, તા.૨૫: ભગવાન શ્રીકૃષ્ણની પાવન જન્મભૂમિ મથુરામાં આ વર્ષે ગોકુળ આઠમ એટલે કે જન્માષ્ટમીનો ઉત્સવ એક અત્યંત દિવ્ય અને આધુનિક સ્વરૂપમાં ઉજવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી ૪ સપ્ટેમ્બરના રોજ યોજાનારા જન્મોત્સવ દરમિયાન શ્રદ્ધા અને ટેકનોલોજીનો એક અનોખો સમન્વય જોવા મળશે. આ પાવન રાત્રિએ મથુરાનું આકાશ ૫૦૦ ડ્રોનની મદદથી ઝળહળી ઉઠશે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ બાલલીલાઓ અને જન્મ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓનું આકાશમાં ભવ્ય પ્રદર્શન કરવામાં આવશે.

 

ઉત્તર પ્રદેશ બ્રજ તીર્થ વિકાસ પરિષદના જણાવ્યા અનુસાર, ૪ સપ્ટેમ્બરની રાત્રે ૯ થી ૧૦ વાગ્યાની વચ્ચે આશરે ૧૫ મિનિટનો વિશેષ 'લાઈટ એન્ડ ડ્રોન શો' આયોજિત કરાશે. એકસાથે ઉડાન ભરતા ૫૦૦ ડ્રોન આકાશમાં કૃષ્ણ જન્મોત્સવ, માખણ ચોરી, કાલિયા નાગ મર્દન અને ગોવર્ધન લીલા જેવી અદભુત આકૃતિઓ ઉપસાવશે. આ આકાશી નજારો જન્મભૂમિ પરિસરની આસપાસના ૩ થી ૪ કિલોમીટરના વિસ્તારમાંથી સ્પષ્ટ રીતે જોઈ શકાશે, જેથી દેશ-વિદેશથી આવતા લાખો ભક્તો આ રોમાંચક અને દિવ્ય ક્ષણના સાક્ષી બની શકશે.

 

વિક્રમ સંવત અનુસાર શ્રાવણ વદ આઠમની મધરાતે કંસના કારાગૃહમાં પ્રભુના અવતરણની પાવન સ્મૃતિરૂપે મથુરામાં દર વર્ષે વિશાળ મહેરામણ ઉમટી પડે છે. જન્મભૂમિ મંદિરમાં થતા મહાઅભિષેક અને આરતીની સાથે આ વખતે આકાશી ડ્રોન શો ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.

 

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા, બનારસ, સોમનાથ અને રાજસ્થાનના પ્રસિદ્ધ શ્રી સાંવલિયા સેઠ મંદિરમાં યોજાયેલા ભવ્ય ડ્રોન શોની સફળતા બાદ હવે મથુરામાં પણ પ્રથમવાર આ પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સનાતન સંસ્કૃતિ અને કૃષ્ણ ભક્તિનો આ મેળાપ નવી પેઢી અને શ્રદ્ધાળુઓ માટે એક અવિસ્મરણીય અનુભવ સાબિત થશે.

(5:46 PM IST)