<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

મોંઘવારીમાંથી રાહત આપવા કેન્દ્ર સરકારનો મોટો દાવ: દિલ્હીવાસીઓ માટે ખુશીના આંસુ લાવશે ‘કાંદા એક્સપ્રેસ’, રૂ. ૩૫ ના રાહત દરે મળશે ડુંગળી

બજારમાં વધતી કિંમતોને રોકવા નાસિકના બફર સ્ટોકમાંથી ૮૦૦ ટન ડુંગળીની સ્પેશિયલ ટ્રેન રવાના: NAFED, NCCF અને સેન્ટ્રલ વેરહાઉસના સ્ટોર્સ પરથી થશે છૂટક વેચાણ.

નવી દિલ્હી : દેશભરમાં ડુંગળીના વધતા જતા ભાવથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મોંઘવારી પર લગામ લગાવવાના હેતુથી 'કાંદા એક્સપ્રેસ' (ડુંગળી સ્પેશિયલ ટ્રેન) દિલ્હી પહોંચી રહી છે, જેના દ્વારા લોકોને ભારે ડિસ્કાઉન્ટેડ દરે ડુંગળી પૂરી પાડવામાં આવશે. દેશના વિવિધ ભાગોમાં ડુંગળીનો પુરવઠો સરળ બનાવવા અને ભાવ સ્થિર રાખવા માટે સરકારે આ ખાસ પહેલ હાથ ધરી છે.

 

ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના નાસિક સ્થિત સરકારી બફર સ્ટોકમાંથી ૮૦૦ ટન ડુંગળી લઈને ઉપડેલી પ્રથમ 'કાંદા એક્સપ્રેસ' બુધવારે રાષ્ટ્રીય રાજધાની પહોંચશે. દિલ્હીના છૂટક બજારમાં હાલ ડુંગળીનો ભાવ રૂ. ૫૫ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે, પરંતુ આ યોજના હેઠળ ગ્રાહકોને માત્ર રૂ. ૩૫ પ્રતિ કિલોના રાહત દરે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સસ્તા દરની ડુંગળીનું વેચાણ NAFED, NCCF અને સેન્ટ્રલ વેરહાઉસ સ્ટોર્સના આઉટલેટ્સ દ્વારા કરવામાં આવશે.

 

સરકાર દ્વારા ફક્ત દિલ્હી જ નહીં, પરંતુ દેશના અન્ય મુખ્ય શહેરો જેવા કે ચેન્નાઈ, એર્નાકુલમ, મદુરાઈ અને ગુવાહાટી માટે પણ ખાસ રેલવે રેક દ્વારા ડુંગળી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં દેશભરમાં ડુંગળીનો સરેરાશ ભાવ રૂ. ૪૩.૫૩ પ્રતિ કિલો નોંધાયો છે, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ ૫૯ ટકા વધુ છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન તહેવારોની માંગ અને પુરવઠા શૃંખલાની અસરોને કારણે ભાવમાં મોસમી વધારો થતો હોય છે, જેને પહોંચી વળવા સરકારે ૨૦૨૬ માટે આશરે ૧.૨૧ લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક જાળવી રાખ્યો છે.

 

આગામી મહિનાઓમાં સ્થાનિક માંગને પૂરી કરવા માટે દેશમાં ડુંગળીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે તેવો દાવો પણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ સમયસરના નિર્ણયથી દિલ્હી સહિતના શહેરોમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાતું અટકશે અને બજારમાં વધતા ભાવ પર તાત્કાલિક અંકુશ મેળવી શકાશે.

(6:24 PM IST)