હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંકે બિહારી મંદિરમાં દાનની અનિયમિતતા પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: સેવાયતોને સ્પષ્ટ ચીમકી અને પારદર્શક વ્યવસ્થાનો કડક આદેશ
ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે ભક્તોની ભેટ-સોગાદો સીધી મંદિરની તિજોરીમાં જમા કરવાનો નિર્દેશ આપ્યો : દાનમાં ગેરરીતિ કરનારાઓ સામે ગંભીર પગલાં લેવાની સુપ્રીમ કોર્ટની કડક ચેતવણી

નવી દિલ્હી: વૃંદાવનના વિશ્વપ્રસિદ્ધ શ્રી બાંકે બિહારી જી મહારાજ મંદિરમાં દાન અને ભંડોળ વ્યવસ્થાપનમાં થતી ગંભીર અનિયમિતતાઓ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની પીઠે મંદિર મેનેજમેન્ટને તુરંત જ પારદર્શક વ્યવસ્થા લાગુ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતાં ભારપૂર્વક કહ્યું કે શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતી તમામ નાણાકીય ભેટ અને દાન સીધા મંદિરના ખાતામાં કે નિયુક્ત દાન પેટીઓમાં જ જમા થવા જોઈએ. પૂજારીઓ કે સેવાયતો દ્વારા આ નવી સીસ્ટમને અવગણવાના અથવા તો દાનની રકમ બારોબાર સબડાવી જવાના કોઈપણ પ્રયાસને કોર્ટ અત્યંત ગંભીરતાથી લેશે.
સુનાવણી દરમિયાન પ્રસાદ અને ભંડારદાર દ્વારા એકત્રિત કરવામાં આવતા નાણાં અંગેના દાવાઓ પર અદાલતે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ભગવાનને ઔપચારિક રીતે ભોગ કે પ્રસાદ ધરાવવામાં આવે તે પહેલાં કોઈપણ વ્યક્તિ આ રકમ પર પોતાનો હક દાવો કરી શકે નહીં. ભગવાનના ચરણે ધરાવ્યા બાદ જ સેવાયતો તેમના હિસ્સા માટે પાત્ર બનશે. આ ઉપરાંત, મંદિરના ભંડોળનો ઉપયોગ કરીને કરવામાં આવતી મિલકતોની ખરીદી પર પણ કોર્ટે લગામ કસી છે. જસ્ટિસ બાગચીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દેવતાના નાણાંથી અંગત કે અન્ય મિલકતો કેવી રીતે ખરીદી શકાય, જેના પર સીજેઆઈ સૂર્યકાંતે આદેશ આપ્યો કે મંદિર ફંડમાંથી થતી કોઈપણ મોટી પ્રોપર્ટી ડીલને આખરી ઓપ આપતા પહેલાં સુપ્રીમ કોર્ટની પૂર્વ મંજૂરી અને જાણકારી મેળવવી ફરજિયાત રહેશે.
માત્ર નાણાકીય પારદર્શિતા જ નહીં, પરંતુ ભૂતકાળમાં થયેલી નાસભાગની દુઃખદ ઘટનાઓને ધ્યાનમાં રાખીને અદાલતે ભીડ નિયંત્રણ અને દર્શન વ્યવસ્થા સુધારવા માટે પણ કડક સૂચનાઓ આપી છે. દર્શનાર્થીઓની સુરક્ષા માટે ઓનલાઈન ટિકિટિંગ સિસ્ટમ અને પ્રવેશ નિયંત્રણ જેવા પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઉત્તર પ્રદેશ સરકારના વટહુકમ પર રોક લગાવીને હાઈકોર્ટના નિવૃત્ત જજની સમિતિ રચનાર સુપ્રીમ કોર્ટે વૃંદાવનમાં રસ્તાઓ, વ્યાપારી નિયમન, વૃદ્ધો, મહિલાઓ તેમજ દિવ્યાંગો માટે આરામગૃહ, આરોગ્ય અને ઈલેક્ટ્રિક વાહનો સહિતની વ્યાપક વિકાસ યોજના તૈયાર કરવા અધિકારીઓને આદેશ આપ્યો છે, જેથી ભક્તોની શ્રદ્ધા સાથે સુરક્ષા જળવાઈ રહે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
