<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

આત્મનિર્ભર ભારતની મોટી છલાંગ: રાજનાથ સિંહે ભારતીય ખાનગી કંપનીઓને મિસાઇલ ટેકનોલોજી આપવાની આપી મંજૂરી

યુદ્ધની સ્થિતિમાં દેશમાં મિસાઇલોનો પુરવઠો ક્યારેય નહીં ખોરવાય તે હેતુથી સંરક્ષણ મંત્રાલયે DRDO દ્વારા વિકસિત તમામ પરંપરાગત મિસાઇલ સિસ્ટમ્સ માટે યોગ્ય ભારતીય કંપનીઓને ટેકનોલોજી ટ્રાન્સફરનો માર્ગ મોકળો કર્યો

નવી દિલ્હી: દેશની સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક અને વિઝનરી નિર્ણય લેતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન  દ્વારા વિકસાવવામાં આવેલી તમામ પરંપરાગત મિસાઇલ સિસ્ટમ્સની ટેકનોલોજી લાયક ભારતીય સંરક્ષણ કંપનીઓને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલયના આ નિર્ણાયક પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય મિસાઇલ ટેકનોલોજીને માત્ર પ્રયોગશાળાઓ અને સરકારી એકમો સુધી મર્યાદિત ન રાખતા, ખાનગી ક્ષેત્રની મદદથી મોટા પાયે સ્થાનિક ઉત્પાદન શરૂ કરવાનો છે. જરૂરી ટેકનિકલ, પ્રમાણપત્ર અને નિયમનકારી ધોરણો પૂરા કરનારી ભારતીય કંપનીઓ હવે આ ઘાતક મિસાઇલ સિસ્ટમ્સનું ઉત્પાદન કરી શકશે, જેનાથી ભવિષ્યમાં યુદ્ધ કે ઇમરજન્સીની સ્થિતિ સર્જાય તો પણ ભારતીય સેના પાસે મિસાઇલોનો જરાય અછત નહીં રહે.

સરકારના આ મહત્વકાંક્ષી નિર્ણયથી 'આત્મનિર્ભર ભારત' અભિયાનને એક નવી ઊર્જા મળશે અને વિદેશી સપ્લાયર્સ પર ભારતની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થશે. આ પહેલથી દેશના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો  તેમજ ખાનગી સંરક્ષણ ઉત્પાદકો માટે કારોબારની વિપુલ તકો ઊભી થશે, જે સ્થાનિક મૂલ્યવર્ધન  વધારીને ભારતની સંરક્ષણ પુરવઠા શૃંખલાને વધુ મજબૂત અને સ્થિર બનાવશે. ખાસ કરીને સરહદ પારથી પાકિસ્તાન અને ચીન વચ્ચે વધી રહેલા અવકાશ, સેટેલાઇટ સર્વેલન્સ અને ટેકનોલોજીકલ સહયોગના પડકારો વચ્ચે ભારતની સ્થાનિક સ્તરે ઝડપથી મિસાઇલોનું સ્કેલ-અપ પ્રોડક્શન કરવાની આ ક્ષમતા સૈન્ય વ્યૂહરચનાની દ્રષ્ટિએ ગેમ-ચેન્જર સાબિત થશે.

નોંધનીય છે કે ભારતમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાઈ રહી છે, જ્યાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન દેશનું કુલ સંરક્ષણ ઉત્પાદન ₹૧.૫૪ લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું અને સંરક્ષણ નિકાસ ₹૨૩,૬૨૨ કરોડે પહોંચી હતી. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે ₹૧.૭૫ લાખ કરોડ અને વર્ષ ૨૦૨૯ સુધીમાં ₹૩ લાખ કરોડના માતબર સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે. DRDO હવે ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે હાથ મિલાવીને સ્થાનિક સ્તરે અદ્યતન હથિયારો અને મિસાઇલોનું નિર્માણ ઝડપી બનાવશે, જેથી ભારત વિશ્વના સૌથી મોટા સંરક્ષણ નિકાસકાર દેશોની યાદીમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી શકે.

(7:03 PM IST)