<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ઓપરેશન સિંદૂર: ઈમારત ચણાઈ પણ ભય અકબંધ : બહાવલપુરમાં જૈશના નવા મુખ્યાલય પર ઈન્ડિયન એરફોર્સની કડી નજર

૭ મેના રાફેલ અને સ્કેલ્પ મિસાઈલના ભીષણ હુમલા બાદ પાકિસ્તાને બહાવલપુરનું ધ્વસ્ત ગઢ ફરી ઊભું કર્યું : ભારતીય વાયુસેનાની 'ઝીરો ટૉલરન્સ' નીતિથી સરહદ પાર અફરાતફરી અને ભયનો માહોલ

નવી દિલ્હી:  પાકિસ્તાને બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના સુભાનલ્લાહ મરકઝનું સમારકામ કરી કોંક્રિટનું નવું માળખું તો તૈયાર કરી લીધું છે, પરંતુ ભારતીય વાયુસેનાના બોમ્બમારાથી પેદા થયેલો ડર દૂર કરી શક્યું નથી. ૭ મે, ૨૦૨૫ના રોજ હાથ ધરાયેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતના રાફેલ ફાઈટર જેટોએ સ્કેલ્પ મિસાઈલો વડે આ આતંકી અડ્ડાને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દીધો હતો. આ ભીષણ હુમલામાં મસૂદ અઝહરના ૧૦થી વધુ સંબંધીઓ અને ૧૦૦ જેટલા તાલીમબદ્ધ આતંકવાદીઓ ઠાર થયા હતા, જેણે પાકિસ્તાનના પ્રોક્સી વોરના અહંકારને મૂળમાંથી તોડી પાડ્યો હતો.

ઈમારત ચમકાવી દેવાથી અથવા તો કાટમાળ છુપાવી દેવાથી ઈતિહાસની વાસ્તવિકતા બદલાતી નથી. પાક સેના અને અસીમ મુનીરની છૂપી મદદથી જૈશના આ મુખ્યાલયને ફરીથી ઊભું કરવામાં આવ્યું હોવાના અહેવાલો છે, પરંતુ આ નવું માળખું તેમની તાકાત નહીં પણ લાચારી અને ભયનું પ્રતીક છે. રાફેલ અને મિરાજ જેવા આધુનિક વિમાનોની સર્જિકલ એરસ્ટ્રાઈકે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ અને પરમાણુ ધમકીઓના પોકળ દાવાઓને ખુલ્લા પાડી દીધા છે.

ભારતે પહેલગામ ઘટના બાદ પોતાની વ્યૂહાત્મક નીતિ કાયમ માટે બદલી નાખી છે. હવે રાજ્ય અને બિન-રાજ્ય આતંકી આકાઓ વચ્ચે કોઈ ભેદરેખા રાખવામાં આવતી નથી. 'ઓપરેશન સિંદૂર' હેઠળ ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ સ્પષ્ટ કરે છે કે જો સરહદ પારથી ફરી કોઈ આતંકી દુસાહસ થશે, તો તેનાથી પણ વધુ ઘાતક પરિણામો ભોગવવા પડશે. બહાવલપુરની છત પર સમારકામ થઈ શકે છે, પણ પાકિસ્તાનના મનમાં પેદા થયેલો ઈન્ડિયન એરફોર્સનો ખોફ ક્યારેય ભૂંસાઈ શકશે નહીં.

(7:04 PM IST)