<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

આંતરજાતિય લગ્ન પર બિહાર સરકારની મોટી જાહેરાત: SC-ST મહિલાઓને હવે મળશે ₹૨.૫ લાખની આર્થિક સહાય

સામાજિક ભેદભાવ નાબૂદ કરવા અને મહિલા સશક્તિકરણને વેગ આપવા નીતિશ-સમ્રાટ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : અગાઉ અપાતી પ્રોત્સાહન રકમમાં ધરખમ વધારો કરાયો

પટણા:  બિહારમાં સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા અને જાતિગત ભેદભાવની દીવાલો તોડવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મંગળવારે પટણા ખાતે આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી હતી કે હવેથી આંતરજાતિય લગ્ન કરનાર SC-ST (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) મહિલાઓને સરકાર દ્વારા ₹૨.૫ લાખની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સમરસતા લાવવા સાથે આંતરજાતિય લગ્નોને પ્રોત્સાહિત કરવાનો છે.

સરકારના આ નિર્ણયથી અગાઉ મળતી સહાયની રકમમાં મોટો ઉછાળો આવ્યો છે. અત્યાર સુધી બિહાર સરકાર દ્વારા આંતરજાતિય લગ્ન માટે ₹૧ લાખની પ્રોત્સાહક રકમ આપવામાં આવતી હતી, જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ₹૧.૨૫ લાખ સુધીની મદદ મળતી હતી. હવે રાજ્ય સરકારે ખાસ કરીને SC-ST વર્ગની મહિલાઓ માટે સહાયની રકમ સીધી વધારીને ₹૨.૫ લાખ કરી દીધી છે. આ આર્થિક મદદ નવદંપતીને તેમના નવા જીવનની શરૂઆતમાં સ્થિરતા પ્રદાન કરવામાં અને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થશે.

નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે બિહાર સરકાર મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે સતત કટિબદ્ધ છે. મહિલાઓને રોજગાર, આજીવિકા અને આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડવાના પ્રયાસોના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. જોકે, આ યોજના હેઠળ પાત્રતાના માનદંડો, અરજી કરવાની પ્રક્રિયા અને રકમ ચૂકવણી માટેની ચોક્કસ શરતો અંગેની વિગતવાર સરકારી માર્ગદર્શિકા (SOP) ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આ જાહેરાત બાદ રાજ્યભરમાં નવી પરણેલી યુવતીઓ અને તેમના પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(7:05 PM IST)