<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ઉત્તર પ્રદેશ સરકારનો ઐતિહાસિક નિર્ણય: ૬૦ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે બસ મુસાફરી આજીવન ફ્રી : કેબિનેટમાં ૨૪ મહત્વની દરખાસ્તોને મંજૂરી

લોકમાતા અહિલ્યાબાઈ માતૃશક્તિ યોજના" હેઠળ ૧ કરોડથી વધુ મહિલાઓને મળશે લાભ : ₹૧૦,૭૬૧ કરોડના ખર્ચે ગંગા એક્સપ્રેસ વે હરિદ્વાર સુધી લંબાવવાની મંજૂરી

લખનૌ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યની વરિષ્ઠ મહિલાઓ માટે એક અભૂતપૂર્વ અને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં "લોકમાતા અહિલ્યાબાઈ માતૃશક્તિ યોજના"ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણય અંતર્ગત હવે ઉત્તર પ્રદેશમાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (UPSRTC) ની તમામ બસોમાં આજીવન મફત મુસાફરી કરી શકશે. સરકારના આ નિર્ણયથી રાજ્યની ૧ કરોડથી વધુ વરિષ્ઠ મહિલાઓને સીધો લાભ મળશે અને મુસાફરી માટે તેમણે માત્ર આધાર કાર્ડ અથવા વૉટર આઈડી જેવું માન્ય ઓળખપત્ર દર્શાવવાનું રહેશે.

આ યોજના ભાજપના સંકલ્પ પત્રમાં કરવામાં આવેલા વચનનો જ એક ભાગ છે, જેને હવે પૂર્ણ કરવામાં આવ્યું છે. ૬૦ વર્ષથી વધુ વયની મહિલાઓ મોટે ભાગે ધાર્મિક યાત્રાઓ, તબીબી સારવાર કે સામાજિક પ્રસંગો માટે પરિવહન પર આધારિત હોય છે, તેથી આ મફત મુસાફરીની સુવિધા તેમના માટે મોટો નાણાકીય ટેકો બનશે. આ યોજના માટે સરકારે પરિવહન નિગમને વળતર ચૂકવવાના હેતુથી ₹૧૦૦ કરોડનું બજેટ પણ ફાળવ્યું છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલા જ મહિલાઓ માટે આ યોજના મંજૂર કરીને યોગી સરકારે રાજ્યની મહિલા શક્તિને મોટી ભેટ આપી છે.

આ બેઠકમાં માત્ર મહિલા કલ્યાણ જ નહીં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ એક મોટો ધમાકો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કૂલ ૨૪ મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી, જેમાંથી ગંગા એક્સપ્રેસ વેના વિસ્તારનો નિર્ણય મુખ્ય છે. હવે ગંગા એક્સપ્રેસ વેને ₹૧૦,૭૬૧ કરોડના ખર્ચે બિજનોર થઈને હરિદ્વાર સુધી લંબાવવામાં આવશે. આ નિર્ણયથી ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ વચ્ચેનું જોડાણ વધુ સુદ્રઢ બનશે અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા બે પવિત્ર કુંભ નગરો - પ્રયાગરાજ અને હરિદ્વાર - હવે ઝડપી તથા નિયંત્રિત એક્સપ્રેસ વે નેટવર્કથી સીધા જોડાઈ જશે.

(7:05 PM IST)