<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનું મોટું આતંકી કાવતરાનો પર્દાફાશ : ભારત વિરુદ્ધ ઘૂસણખોરી અને વિસ્તારવાદનો નાપાક પ્લાન લીક

ઓપરેશન સિંદૂરના ભારે વિનાશ બાદ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવા અને FATFની તપાસથી બચવા સિંધ પ્રાંતમાં નવા આતંકી મરકઝ ઊભા કરાયા; ISI અને પાક સરકારના આશીર્વાદથી ભંડોળ એકત્ર કરવાનું મોટું ષડયંત્ર

નવી દિલ્હી:  ભારતીય ગુપ્તચર એજન્સીઓ ના તાજેતરના ચોંકાવનારા અહેવાલમાં સરહદ પારથી પનપી રહેલા આતંકવાદનો પર્દાફાશ થયો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પોતાનું નેટવર્ક ઝડપથી વિસ્તારી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં જ આ સંગઠને સિંધ પ્રાંતમાં સાત નવા તાલીમ કેન્દ્રો અને મસ્જિદો બનાવી છે. આ ધાર્મિક સ્થળોનો ઉપયોગ યુવાનોનું બ્રેઈનવોશ કરવા, આતંકી ભરતી કરવા અને ભારતમાં ઘૂસણખોરી કરાવવાના હેતુથી ભંડોળ એકત્ર કરવા માટે થઈ રહ્યો છે.

ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન મુરીદકે સ્થિત લશ્કરના મુખ્ય તાલીમ અડ્ડાઓ જમીનદોસ્ત થઈ ગયા હતા. આ ભારે નુકસાન બાદ હવે સંગઠન પુનર્નિર્માણના બહાને ચેરિટી અને એનજીઓ (NGO) ની આડમાં વિદેશોમાંથી કરોડો રૂપિયાનું ફંડ ઉઘરાવી રહ્યું છે. આ કાવતરાનું નેતૃત્વ હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ અને સૈફુલ્લાહ કસુરી જેવા કટ્ટરપંથી આતંકી આકાઓ કરી રહ્યા છે, જેઓ પાકિસ્તાની પોલિસ અને સુરક્ષા બળોના કડક વીઆઈપી પ્રોટોકોલ સાથે દેશભરમાં ફરી રહ્યા છે.

આ સમગ્ર નાપાક મનસૂબા પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને પાક સરકારની સીધી સંડોવણી સામે આવી છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની બ્લેકલિસ્ટિંગ અને આંતરરાષ્ટ્રીય સિક્યુરિટી તપાસથી બચવા માટે લશ્કર-એ-તૈયબા રાજકીય પક્ષો સાથે હાથ મિલાવીને મુખ્યપ્રવાહમાં આવવાનો અસફળ પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ભારતીય સુરક્ષા દળો સરહદે સંપૂર્ણ સતર્ક છે અને કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.

(7:07 PM IST)