તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર બેરોન ટ્રમ્પને ઈરાનની ખુલ્લી ધમકી, $૧૦ મિલિયનની ઈનામી રકમની જાહેરાત: યુએસ સિક્રેટ સર્વિસ સતર્ક, તપાસ તેજ
ઈરાની સ્ટેટ ટીવી પર "બેરોન ટ્રમ્પને ક્યાં મારવો" શીર્ષક સાથેનો સનસનાટીભર્યો વિડીયો પ્રસારિત: ગેમિંગ પ્લેટફોર્મ Xbox અને ડિસ્કોર્ડ પર બેરોનની ગતિવિધિઓ પર નજર હોવાનો ઈરાનનો દાવો.

વોશિંગ્ટન : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦ વર્ષના પુત્ર બેરોન ટ્રમ્પને ઈરાની સ્ટેટ ટેલિવિઝન દ્વારા ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ઈરાની સરકારી ચેનલ પર પ્રસારિત એક વિડીયોમાં બેરોન ટ્રમ્પ પર $૧૦ મિલિયન (અંદાજે રૂ. ૯૫ કરોડથી વધુ)નું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ ગંભીર ઘટના બાદ યુએસ સિક્રેટ સર્વિસ (US Secret Service) સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર આવી ગઈ છે અને વિડીયો સંબંધિત તમામ બાબતોની સઘન તપાસ હાથ ધરી છે.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા મીડિયા દ્વારા "વ્હેર ટુ કિલ બેરોન ટ્રમ્પ" (Where to Kill Barron Trump) નામના પ્રચાર વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે બેરોન ટ્રમ્પની તમામ હિલચાલ અને સુરક્ષા વ્યવસ્થા પર તેમની સંપૂર્ણ નજર છે. પ્રસારણમાં એવો પણ વિચિત્ર દાવો કરવામાં આવ્યો છે કે બેરોન જ્યારે સિક્રેટ સર્વિસની સુરક્ષાથી દૂર હોય છે ત્યારે સંચાર માટે Xbox, FIFA ગેમ્સ અને ડિસ્કોર્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને ઈરાની એજન્સીઓએ તેના તમામ આઈડી ટ્રેક કરી લીધા છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પરિવારને લક્ષ્ય બનાવતો આ પહેલો વિડીયો નથી. આ અગાઉ જુલાઈ મહિનામાં ઈરાની સ્ટેટ ટીવી દ્વારા પૂર્વ પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પને લક્ષ્ય બનાવતો વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં ન્યુ યોર્કમાં તેમની મુલાકાતો અને મોટરકેડ દર્શાવીને ઝેરી નર્વ એજન્ટના ઉપયોગની ધમકીઓ આપવામાં આવી હતી. તે વિડીયોના અંતે પણ બેરોન ટ્રમ્પને ઉદ્દેશીને કહેવાયું હતું કે, "આ તો માત્ર શરૂઆત છે, બેરોન ટ્રમ્પ અમારી રાહ જુઓ."
યુએસ સિક્રેટ સર્વિસે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના સંરક્ષિત વ્યક્તિઓ પરના કોઈપણ સંભવિત ખતરાને અત્યંત ગંભીરતાથી લે છે. હાલમાં વ્હાઈટ હાઉસ, ટ્રમ્પ ટાવર, બેડમિન્સ્ટર ગોલ્ફ ક્લબ અને માર-એ-લાગો એસ્ટેટ સહિતની તમામ મિલકતો પર બેરોન અને મેલાનિયા ટ્રમ્પ માટે ચોવીસે કલાક અત્યંત ચુસ્ત સુરક્ષા કવચ તૈનાત કરી દેવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
