એ જ બ્રાન્ડ, એ જ ડ્રિંક પણ નિયમો અલગ કેમ? ભારતમાં ગ્રાહકોના આરોગ્ય સાથે રમત રમતી વિદેશી કંપનીઓ; સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
પેકેજ્ડ ફૂડમાં ઉચ્ચ ખાંડ અને કૃત્રિમ રંગો અંગે ભારતમાં બેવડા ધોરણો: FSSAI સાથેની બેઠકમાં ફૂડ બ્રાન્ડ્સનો વિરોધ, ૨૦૫૦ સુધીમાં સ્થૂળતા વધવાની આશંકા વચ્ચે કડક ચેતવણી લેબલિંગની માંગ.

નવી દિલ્હી : ભારતમાં વેચાતા પ્રખ્યાત બ્રાન્ડ્સના કોલ્ડ ડ્રિંક્સ અને પેકેજ્ડ ખોરાકમાં ખાંડ, ચરબી અને મીઠાનું પ્રમાણ પશ્ચિમી દેશોની તુલનામાં ઘણું વધારે હોવાનો અને લેબલિંગ નિયમોમાં બેવડા ધોરણો અપનાવવામાં આવતા હોવાનો ગંભીર ખુલાસો થયો છે. ફેન્ટા અને કોકા-કોલા જેવા વૈશ્વિક ઉત્પાદકો વિદેશમાં બોટલ પર સ્પષ્ટ આરોગ્ય ચેતવણી આપે છે, પરંતુ ભારતમાં આવા નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ગેરમાર્ગે દોરતા પ્રોડક્ટ લેબલો અને ગ્રાહકોના આરોગ્ય સાથે થઈ રહેલી છેડછાડ અંગેની અરજી પર હવે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે.
લેન્સેટ જર્નલના અહેવાલ મુજબ જો ભારતમાં ખાદ્યપદાર્થોના વપરાશ પર નિયંત્રણ નહીં આવે, તો ૨૦૫૦ સુધીમાં દેશની મોટાભાગની વસ્તી અતિશય વજન અને સ્થૂળતાની શિકાર બની શકે છે. વિશ્વના લગભગ ૨૦ દેશોએ ગ્રાહકોની જાગૃતિ માટે કલર-કોડેડ વોર્નિંગ લેબલિંગ અપનાવ્યું છે—જેમાં વધુ ખાંડ ધરાવતી વસ્તુઓ પર લાલ લેબલ અને ઓછી ચરબી માટે લીલું લેબલ લગાડવામાં આવે છે. પરંતુ ભારતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) અને મોટા ઉત્પાદકો વચ્ચે માર્ચ મહિનામાં યોજાયેલી બેઠકમાં કંપનીઓએ આવી સિસ્ટમનો વિરોધ કર્યો હતો.
ઇન્ડિયા ફૂડ એન્ડ બેવરેજ એસોસિએશન (IFBA) ના અંદાજ મુજબ, ભારતના $૧૦૦ અબજથી વધુના પેકેજ્ડ ફૂડ માર્કેટમાં લગભગ ૮૦% ઉત્પાદનોમાં ચરબી, ખાંડ કે મીઠું અનિચ્છનીય સ્તરે વધારે છે. તેથી જો કલર-કોડેડ સિસ્ટમ લાગુ થાય, તો મોટાભાગના પેકેટ લાલ રંગથી છલકાઈ જશે. કોકા-કોલા અને પેપ્સિકો જેવી કંપનીઓના પ્રતિનિધિઓએ દલીલ કરી હતી કે ગ્રાહકો પ્રતીકો જોઈને જાગૃત થઈ જશે તેવું માનવું યોગ્ય નથી અને આવા લેબલ્સ ગ્રાહકોમાં મૂંઝવણ ઊભી કરશે.
ભારતીય નિયમનકારો ૨૦૧૭થી સ્ટાર-રેટિંગ અને કલર-કોડેડ વોર્નિંગ્સ પર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ ઉદ્યોગના દબાણને કારણે તેનો યોગ્ય અમલ થઈ શક્યો નથી. ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે નિયમનકારોને ઇઝરાયલની લાલ અને લીલી મેસેજિંગ સિસ્ટમ જેવા આકરા મોડલ પર ધ્યાન આપવા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે પારદર્શક ચેતવણીઓ દાખલ કરવા આદેશ આપ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
