<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

હવામાં નશાખોરી સામે DGCAનું મોટું કદમ: હવે દેશના દરેક પાઇલટ માટે વર્ષમાં એકવાર રેન્ડમ ડ્રગ્સ ટેસ્ટ બની શકે છે ફરજિયાત!

એર ઈન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઈટની ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય લાલઘૂમ: ફ્લાઈટ અને લાખો પ્રવાસીઓની સુરક્ષા વધારવા માટે સરકારે કડક નિયમો લાવવાની તૈયારીઓ શરૂ કરી.

નવી દિલ્હી : એરપોર્ટ પરથી હજારો પ્રવાસીઓનો જીવ પોતાના હાથમાં લઈને ઉડાન ભરતા પાઇલટો પર હવે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય બાજ નજર રાખવા જઈ રહ્યું છે. નશાની હાલતમાં ફ્લાઈટ ઓપરેટ કરવાના કિસ્સાઓ અને તાજેતરમાં એર ઈન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઈટમાં બનેલી ગંભીર ઘટના બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાઈડુએ સંકેત આપ્યા છે કે એક નવા પ્રસ્તાવ હેઠળ હવે દેશના દરેક પાઇલટનો વર્ષમાં ઓછામાં ઓછો એકવાર 'રેન્ડમ ડ્રગ્સ ટેસ્ટ' ફરજિયાત કરવામાં આવી શકે છે.

 

વર્તમાન નિયમો અનુસાર, સમગ્ર પાઇલટ નેટવર્કમાંથી માત્ર ૧૦ ટકા પાઇલટોનો જ ડ્રગ્સ ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ નવી વિચારણા હેઠળ, દરેક પાઇલટને વર્ષમાં એકવાર સરપ્રાઈઝ ચેકિંગનો સામનો કરવો પડશે, જેની કોઈ પણ આગોતરી જાણકારી પાઇલટને આપવામાં આવશે નહીં. આ કડક સુધારાનો મુખ્ય હેતુ કોકપિટમાં નશાયુક્ત પદાર્થોના સેવનને સંપૂર્ણપણે અટકાવવાનો અને વિમાની મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનો છે. હાલમાં તમામ હિતધારકો સાથે આ અંગે ચર્ચા ચાલી રહી છે.

 

જોકે, આ નિયમને જમીની સ્તરે અમલમાં મૂકવો સરકાર અને એરલાઈન્સ કંપનીઓ માટે એક મોટો પડકાર બનશે. દિલ્હી અને મુંબઈ જેવા અત્યંત વ્યસ્ત એરપોર્ટ પર વાર્ષિક ધોરણે દરેક પાઇલટનું ટેસ્ટિંગ અનિવાર્ય કરવાથી એરલાઈન્સના દૈનિક સંચાલન અને પાઇલટોની પ્રાપ્યતા (Operational Availability) પર મોટી અસર પડી શકે છે. આથી જ સરકાર સુરક્ષા પેરામીટર્સ અને વ્યવહારિક જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવા માટે વિવિધ વિકલ્પો ચકાસી રહી છે.

 

દરમિયાન, એર ઈન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઈટ ઘટનાની તપાસ હાલ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા ચલાવવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે વિમાનનો તમામ ડેટા અને રેકોર્ડર્સ સુરક્ષિત છે અને તપાસ પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. હાલ આ ડ્રગ ટેસ્ટિંગનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે અને આખરી નિર્ણય લેવાયા બાદ વિમાની ક્ષેત્રે સુરક્ષાના નવા ધોરણો અમલી બનશે.

(7:54 PM IST)