તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
'ઓપરેશન સિંદૂર' બાદ લટકી ગયેલા ઐતિહાસિક લગ્નોનો સુખદ અંત: સરહદના કડક નિયમો વચ્ચે ૧૫૦ પાકિસ્તાની દુલ્હનો ત્રીજા દેશના હવાઈ માર્ગે ભારત પહોંચી
પાકિસ્તાનના સિંધ પ્રાંતની યુવતીઓના રાયપુર, નાગપુર અને જોધપુરમાં નક્કી થયા હતા લગ્ન: 'શદાની દરબાર'ના આદેશ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ખાસ મંજૂરી બાદ વિઝા મળ્યા.

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૫માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક આતંકી હુમલાના જવાબમાં ભારતે કડક કાર્યવાહી કરીને 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું. આ લશ્કરી અભિયાન બાદ સુરક્ષાના કારણોસર પાકિસ્તાન સાથેના જમીન માર્ગો અને વિઝા પ્રક્રિયા સદંતર બંધ કરી દેવામાં આવી હતી. આ નિર્ણયની સીધી અને ગંભીર અસર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા એવા સિંધી પરિવારો પર પડી હતી, જેમણે પોતાની દીકરીઓની સગાઈ ભારતમાં કરી હતી. વાઘા-અટારી બોર્ડર બંધ થઈ જતાં આશરે ૧૫૦ જેટલી પાકિસ્તાની યુવતીઓના લગ્ન અનિશ્ચિતતાના અંધકારમાં લટકી ગયા હતા.
જોકે, આ યુવતીઓ અને તેમના સાસરિયાંની લાંબી અને આતુરતાપૂર્વકની રાહનો હવે આખરે સુખદ અંત આવ્યો છે. નાગપુરના સામુદાયિક નેતા રાજેશ ઝાંબિયાના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર સમક્ષ કરાયેલી રજૂઆતો બાદ આ મહિલાઓ અને તેમના પરિવારજનોને ભારતમાં પ્રવેશવા ખાસ વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, અટારી બોર્ડરથી જમીન માર્ગે આવવાની સખત મનાઈ હોવાથી, આ તમામ દુલ્હનો મસ્કત, દુબઈ, ઓમાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા અન્ય દેશોના રોડ-હવાઈ માર્ગો (Via Route) મારફતે ભારત પહોંચી રહી છે.
આ સમગ્ર જટિલ પ્રક્રિયાને ઉકેલવામાં રાયપુર સ્થિત સંત યુધિષ્ઠિરલાલ શદાનીની ભૂમિકા અત્યંત નિર્ણાયક રહી છે. જ્યારે તમામ પરંપરાગત રસ્તાઓ બંધ થઈ ગયા, ત્યારે લોકોએ પાકિસ્તાનના ઘોટકીમાં આવેલા પ્રખ્યાત હિન્દુ ધાર્મિક સ્થળ 'શદાની દરબાર'ના આધ્યાત્મિક વડાનો સંપર્ક કર્યો હતો. તેમણે ભારતમાં નાગપુર, રાયપુર, જોધપુર અને પુણે જેવા શહેરોમાં સગાઈ પામેલી ૧૫૦ પાકિસ્તાની યુવતીઓની યાદી તૈયાર કરી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી આપી હતી.
ગૃહ મંત્રાલયે માત્ર હવાઈ મુસાફરીની શરતે વિઝા મંજૂર કરતાં એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં તમામ ૧૫૦ દુલ્હનો ભારતમાં પોતાના સાસરે પહોંચી ચૂકી છે, જેમાં નાગપુરના ૧૫ કિસ્સાઓનો સમાવેશ થાય છે. જોકે, સમુદાયના નેતાઓના મતે હજુ પણ પાકિસ્તાનમાં આવી આશરે ૩૦૦ જેટલી અન્ય યુવતીઓ વિઝાની રાહ જોઈ રહી છે, જેના માટે પણ ભારત સરકાર સમક્ષ ખાસ વિનંતી કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
