હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગ્લોબલ ગોલ્ડ માર્કેટમાં મોટો ધડાકો: યુદ્ધના ખર્ચ અને આર્થિક તંગી વચ્ચે રશિયાએ વેચી દીધું ₹૮૦,૬૦૦ કરોડનું સોનું, ૬ વર્ષના તળિયે પહોંચ્યો ખજાનો
સેન્ટ્રલ બેન્કના રિપોર્ટથી સન્નાટો: પુતિન સરકારે પચાસ હજાર કિલોથી વધુ સોનાનો ભંડાર ખાલી કર્યો; આંતરરાષ્ટ્રીય સપ્લાય વધતાં સોનાના ભાવમાં કડાકાની શક્યતાથી ગ્રાહકોમાં ભારે કૌતુક.

મોસ્કો : ભારત સહિત વિશ્વભરની મધ્યસ્થ બેન્કો પોતાના ગોલ્ડ રિઝર્વ (સોનાના ભંડાર)ને મજબૂત કરવામાં લાગી છે, ત્યારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વ હેઠળ રશિયાએ લીધેલા એક આઘાતજનક નિર્ણાયક પગલાંથી વૈશ્વિક બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. યુક્રેન સાથે ચાલી રહેલા લાંબા યુદ્ધ અને પશ્ચિમી દેશોના આકરા આર્થિક પ્રતિબંધો સામે ઝઝૂમી રહેલા રશિયાએ પોતાના અનામત ખજાનામાંથી ૫૦ હજાર કિલોથી વધુ (આશરે ₹૮૦,૬૧૯ કરોડથી વધુ) સોનું અચાનક વેચી નાખ્યું છે. આ વેચાણને કારણે દેશનું ગોલ્ડ રિઝર્વ છેલ્લા ૬ વર્ષની સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયું છે.
'બેન્ક ઓફ રશિયા' (Central Bank of Russia) દ્વારા જાહેર કરવામાં આવેલા અધિકૃત આંકડા અનુસાર, વર્ષની શરૂઆતથી ઓગસ્ટ સુધીમાં સોનાના અનામત ભંડારમાં ૧.૬ મિલિયન ઓંસ (આશરે ૪૦,૭૬૫ કિલોગ્રામ) નો મોટો કડાકો બોલાઈ ગયો છે. દેશ પાસે હાલ માત્ર ૭૩.૨ મિલિયન ઓંસ સોનાનો સ્ટોક બચ્યો છે, જે જાન્યુઆરી ૨૦૨૦ પછીનો સૌથી ઓછો જથ્થો છે. માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં રશિયાના ગોલ્ડ રિઝર્વની વેલ્યુમાં આશરે ૩૩.૭ બિલિયન ડોલર (આશરે ₹૩.૨૧ લાખ કરોડ) નો જંગી ઘટાડો થયો છે, છતાં પણ વિશ્વમાં સૌથી વધુ સોનું ધરાવતા દેશોમાં રશિયા હજુ છઠ્ઠા સ્થાને ટકેલું છે.
અન્ય દેશો સરકારી ખાતાઓમાં સોનું ઉમેરી રહ્યા છે ત્યારે રશિયા પોતાનો અનામત ખજાનો ખાલી કરી રહ્યું છે તે પાછળ ઘેરી આર્થિક મજબૂરીઓ જવાબદાર છે. યુદ્ધના ભારે ખર્ચ, પશ્ચિમના આકરા આર્થિક પ્રતિબંધો અને ઓઇલ-ગેસ ક્ષેત્રથી થતી કમાણીમાં થયેલા જંગી ઘટાડાને કારણે રશિયાની બજેટ ખાધ (Budget Deficit) ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. દેશનો દૈનિક વહીવટી ખર્ચ ચલાવવા અને આર્થિક ખાધ પૂરવા માટે રશિયા પોતાના 'નેશનલ વેલબીઇંગ ફંડ'માંથી સોનું તેમજ વિદેશી મંડળો વેચવા મજબૂર બન્યું છે.
વિશેષ નોંધનીય છે કે ૨૦૨૦ સુધી રશિયા વિશ્વમાં સોનાનું સૌથી મોટો સરકારી ખરીદદાર દેશ હતો, જે પોતાની સ્થાનિક ખાણોનું સોનું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોકલવાને બદલે પોતે જ ખરીદી લેતો હતો. હવે રશિયા જે રીતે પોતાના અનામત ભંડારમાંથી અબજો ડોલરનું સોનું ખુલ્લા બજારમાં ઠાલવી રહ્યું છે તેનાથી ગ્લોબલ માર્કેટમાં સોનાની સપ્લાય અચાનક વધી ગઈ છે. આર્થિક નિષ્ણાતોના મતે, જો રશિયા આ જ ગતિએ સોનું વેચવાનું ચાલુ રાખશે તો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો (Correction) જોવા મળશે, જેની સીધી અસર ભારતીય બજારો પર પડતાં સ્થાનિક સ્તરે પણ સોનાના ભાવ ઘટી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
