હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રિયા આહિરની એન્ટ્રીથી ‘બિગ બોસ 20’માં મચશે ધમાલ? વિદ્યાર્થી વિરોધમાં એકલા હાથે પોલીસ વાન રોકનારી વાયરલ ગર્લ સલમાન ખાનના શોમાં જોવા મળશે, દર્શકોના હાથમાં નિર્ણય
સલમાન ખાને રિયા આહિર અને લવ ગિલ વચ્ચે ચાહકોને વોટિંગ કરવાનો આપ્યો મોકો: સોશિયલ મીડિયા પર રિયાને બિગ બોસના ઘરમાં મોકલવા માટે ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ.

નવી દિલ્હી : ટીવી જગતના સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ ૨૦’ (Bigg Boss 20) ની ગણતરીના દિવસો બાકી છે ત્યારે દર્શકોમાં આ નવી સીઝનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુપરસ્ટાર સલમાન ખાનના આ શોના પ્રથમ પ્રોમોએ જ ચાહકોની ઉત્સુકતા બેવડાવી દીધી છે. આ વખતે શોમાં કોઈ પણ સંબંધ કે જોડાણ કામ નહીં કરે અને સ્પર્ધકો માટે આ સીઝન ભારે ઉતાર-ચઢાવથી ભરેલી રહેશે. જોકે, આ વખતે સૌથી વધુ ચર્ચા એક વાયરલ ગર્લ રિયા આહિરની એન્ટ્રીને લઈને થઈ રહી છે.
વિદ્યાર્થીઓના એક વિરોધ પ્રદર્શન દરમિયાન એકલા હાથે પોલીસ વાનને રોકીને રાતોરાત સ્ટાર બનેલી વાયરલ ગર્લ રિયા આહિર આ સીઝનમાં રજત બેદી, ગીતા બસરા અને નિયા શર્મા જેવા જાણીતા કલાકારો સાથે જોવા મળી શકે છે. પરંતુ નિર્માતાઓએ આ વખતે દર્શકો પર એક મોટી જવાબદારી સોંપી છે. જિયો હોટસ્ટાર દ્વારા જાહેર કરાયેલા નવા પ્રોમોમાં સલમાન ખાને સ્પષ્ટ કર્યું છે કે ચાહકો પોતે નક્કી કરશે કે તેઓ શોમાં રિયા આહિરને જોવા માંગે છે કે લવ ગિલને. જેમને વધુ મત મળશે તેને જ બિગ બોસના ઘરમાં પ્રવેશ મળશે.
સલમાન ખાનની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. જિયો હોટસ્ટાર એપ પર વોટિંગ ચાલુ છે, પરંતુ સોશિયલ મીડિયા ટિપ્પણીઓમાં રિયા આહિરનો દબદબો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. યુઝર્સ "રિયા આહિરને વોટ કરો, તેની પાસે અન્યાય સામે લડવાની હિંમત છે" અને "જય દાદા કૃષ્ણ, રિયા આગળ વધો" જેવી કમેન્ટ્સ કરીને તેને શોમાં જોવા માટે ભારે ઉત્સુકતા દર્શાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ૨૭ વર્ષીય રિયા આહિર મૂળ આગ્રાની વતની છે પરંતુ હાલમાં પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. મોડેલિંગ અને એક્ટિંગ સાથે જોડાયેલી રિયા જુલાઈ ૨૦૨૬માં મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્ક પાસે વિદ્યાર્થી આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓને લઈ જતી પોલીસ વાન સામે નીડરતાથી ઊભી રહી ગઈ હતી. તેનો આ વીડિયો વાયરલ થયા બાદ તે દેશભરમાં જાણીતી બની હતી. હવે જોવાનું એ રહેશે કે ચાહકોના વોટિંગના આધારે રિયા આહિર ‘બિગ બોસ ૨૦’ ના ઘરમાં પ્રવેશ કરીને પોતાની નિર્ભય શૈલીથી ધમાલ મચાવશે કે કેમ!









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
