<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

હાઇટેક સિટી કે ‘વેનિસ’? ભારે વરસાદથી ગુરુગ્રામ જળમગ્ન, ૨ કલાક સુધી સ્કૂલ બસો ફસાઈ, રસ્તાઓ પર ટ્રાફિક જામ અને નેટીઝન્સના આકરા પ્રહાર

માત્ર ૩૫ મિનિટના ૭૦ mm વરસાદમાં મિલેનિયમ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત: IFFCO ચોક પર હાઈવેની સર્વિસ લેન બેસી જતાં મોટો ખાડો પડ્યો; WFH ની સલાહ આપવા મજબૂર બન્યું વહીવટીતંત્ર.

ગુરુગ્રામ : હરિયાણાના રાજ્ય માટે સૌથી વધુ આવક રળી આપતા અને 'મિલેનિયમ સિટી' તરીકે ઓળખાતા ગુરુગ્રામમાં મંગળવારે ફરી એકવાર કુદરતી આપદા સામે તંત્રના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. માત્ર ૩૫ મિનિટમાં પડેલા ૭૦ મિલીમીટર જેટલા મુસળધાર વરસાદને કારણે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મુખ્ય રસ્તાઓ, ફ્લાયઓવર અને અંડરપાસ જળમગ્ન થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો, જેના પગલે વહીવટીતંત્રને શાળાઓમાં ઓનલાઈન વર્ગો ચલાવવાની અને આઈટી કંપનીઓને કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' (WFH) જાહેર કરવાની સલાહ આપવી પડી હતી.

 

સૌથી કાળજું કંપાવનારા દ્રશ્યો સુભાષ ચોક પર જોવા મળ્યા હતા, જ્યાં ૯ સ્કૂલ બસો સહિત ૧૫થી વધુ વાહનો ધસમસતા પાણીમાં ફસાઈ ગયા હતા. આ બસોમાં સવાર ૩૦૦થી વધુ નિર્દોષ માસૂમ બાળકો લગભગ બે કલાક સુધી પાણી વચ્ચે ફસાયેલા રહ્યા હતા, જેના લીધે વાલીઓમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત, દિલ્હી-જયપુર નેશનલ હાઇવે પર આવેલા IFFCO ચોક પાસે ગટર લાઈનમાં લીકેજ થવાના કારણે સર્વિસ લેનનો એક ભાગ અચાનક ધસી પડ્યો હતો. રસ્તા પર મોટો ખાડો પડી જતાં ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (GMDA) ની ટીમે સુરક્ષાના ભાગરૂપે આખી લેન બંધ કરી બેરિકેડિંગ કરવું પડ્યું હતું.

 

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪૦૮ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાનો દાવો કરવા છતાં શહેરની આ દુર્દશા થતાં સોશિયલ મીડિયા પર નાગરિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. પાણીમાં ફસાયેલી કેબની છત પર બેસીને કામ કરતા યુવક અને વરસાદમાં ફસાયેલી રડતી બાળકીના વીડિયો વાયરલ થતાં ગુરુગ્રામ ભારે ટ્રોલિંગનો ભોગ બન્યું હતું. જાણીતા લેખક સુહેલ સેઠે કટાક્ષ કરતા લખ્યું હતું કે, "મુખ્યમંત્રી નાયબ સૈની ઈચ્છે છે કે આપણે પણ 'વેનિસ' જેવો અનુભવ કરીએ!" જ્યારે કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ₹૧,૪૦૦ કરોડના ખર્ચ પછી પણ મિલેનિયમ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તસુભાર પણ સુધર્યું નથી.

 

(8:44 PM IST)