હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્ર મહાયુતિમાં આંતરિક કલહ શમાવવા ફડણવીસની કડક એન્ટ્રી: નેતાઓને જાહેરમાં નિવેદનબાજી ન કરવાની ખુલ્લી ચેતવણી, ડિસ્પ્લેસમેન્ટ અને ફંડ વહેંચણી માટે ત્રણ સ્તરીય ફોર્મ્યુલા નક્કી
મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીઓની હાજરીમાં યોજાયેલી સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય: સરકારી કોર્પોરેશનોની ફાળવણી માટે ૪૮:૨૯:૨૩ ની ફોર્મ્યુલા પર ઝડપી વિચારણા

મુંબઈ : મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન સરકારની સ્થિરતા અને સુચારુ સંકલન માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટો આકરો વલણ અપનાવ્યો છે. સ્થાનિક સ્તરે સતત વધી રહેલા મતભેદો અને નેતાઓ વચ્ચેની ખેંચતાણ અંગે ગંભીર નોંધ લેતા મુખ્યમંત્રીએ ગઠબંધનના તમામ પક્ષોના નેતાઓને આંતરિક ઝઘડા બંધ કરવા અને જાહેર મંચો પર એકબીજા વિરુદ્ધ ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવાની કડક ચેતવણી આપી છે.
મહાયુતિ સંકલન સમિતિની મળેલી પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવી હતી. સોમવારે સાંજે યોજાયેલી આ મહત્વની બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ બંને નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને સુનેત્રા પવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા આયોજન સમિતિઓ દ્વારા ભંડોળના વિતરણ, આંતરિક કલહ અને લાંબા સમયથી બાકી રહેલી સરકારી કોર્પોરેશનો (નિગમો) ની ફાળવણી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગઠબંધનમાં ગ્રાઉન્ડ લેવલ પર પૂર્ણ સંકલન જાળવવા માટે તમામ ધારાસભ્યો અને સાંસદોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ નેતા કે ઘટક પક્ષ વિરુદ્ધ સાર્વજનિક રીતે નિવેદનબાજી સાંખી લેવામાં આવશે નહીં.
વિવાદ નિવારણ માટે ત્રણ સ્તરીય વ્યવસ્થા
બેઠકમાં જિલ્લા સ્તરે ભંડોળ અને વિવિધ વિવાદોના ઉકેલ માટે એક નવી પારદર્શક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે મુજબ:
૧. કોઈપણ સ્થાનિક વિવાદ સૌપ્રથમ સંબંધિત વિભાગીય કમિશનર સમક્ષ મોકલવામાં આવશે.
૨. જો ત્યાં ઉકેલ ન આવે તો મહાયુતિ સંકલન સમિતિ તેમાં હસ્તક્ષેપ કરશે.
૩. તેમ છતાં ઉકેલ ન મળે તો આખરી નિર્ણય મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીઓ દ્વારા લેવામાં આવશે.
નિગમોની ફાળવણીનું ગણિત
અસરકારક સરકારી કામગીરી માટે આગામી ૧૫ દિવસમાં બેઠકોનો દોર પૂર્ણ કરીને વિવિધ સરકારી બોર્ડ અને કોર્પોરેશનોની અંતિમ ફાળવણી કરવામાં આવશે. પ્રાથમિક ચર્ચા મુજબ, ભાજપને ૪૮ ટકા, શિવસેનાને ૨૯ ટકા અને એનસીપીને ૨૩ ટકા કોર્પોરેશનો ફાળવવામાં આવે તેવા ફોર્મ્યુલા પર સહમતી સાધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
