<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ખાનગી ક્લાસીસની મોટી-મોટી ફીમાંથી મુક્તિ: વડાપ્રધાન મોદીનો માસ્ટરપ્લાન, દેશભરમાં JEE, NEET અને UPSC માટે શરૂ થશે મફત ઓનલાઈન કોચિંગ નેટવર્ક

શાળાઓ, કોલેજો અને કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) ને મફત કોચિંગ સાથે સાંકળવાની યોજના તૈયાર: 'સાથી' પોર્ટલનું વિસ્તરણ કરી દેશના લાખો વિદ્યાર્થીઓને ઘરબેઠા મળશે અદ્યતન ડિજિટલ શિક્ષણ.

નવી દિલ્હી : દેશના મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના બાળકોને ખાનગી કોચિંગ સેન્ટરોની અતિશય અને કમરતોડ ફીના બોજમાંથી મુક્તિ અપાવવા માટે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ હવે સરકારે પાયાની કામગીરી ઝડપી બનાવી દીધી છે. દેશભરના વિદ્યાર્થીઓ માટે એક વિશાળ મફત ઓનલાઈન કોચિંગ નેટવર્ક સ્થાપિત કરવાનો રોડમેપ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

 

આ યોજના હેઠળ દેશભરની તમામ સરકારી અને સરકારી સહાયક શાળાઓ, કોલેજો તેમજ ગામડાઓ અને નાના શહેરોમાં આવેલા કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) ને સીધા જ આ ઓનલાઈન મફત કોચિંગ નેટવર્ક સાથે જોડવામાં આવશે. શરૂઆતના તબક્કામાં આ પ્લેટફોર્મ પર JEE (મેઇન્સ અને એડવાન્સ્ડ) અને NEET-UG જેવી દેશની સૌથી અઘરી પ્રવેશ પરીક્ષાઓ માટેનું ગુણવત્તાસભર કોચિંગ પૂરૂં પાડવામાં આવશે. ત્યારબાદના બીજા તબક્કામાં UPSC, SSC અને અન્ય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે.

 

૧૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદીની આ ઐતિહાસિક જાહેરાત બાદ શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં IIT કાનપુરના સહયોગથી મંત્રાલય દ્વારા અગાઉથી ચલાવવામાં આવી રહેલા "સાથી" (SATHEE) મફત કોચિંગ પ્લેટફોર્મની સમીક્ષા કરવામાં આવી હતી. હાલમાં આ પોર્ટલ પર પ્રતિવર્ષ JEE અને NEET ની પરીક્ષા આપતા અંદાજે ૩૫ લાખ વિદ્યાર્થીઓને એકસાથે ડિજિટલ શિક્ષણ પૂરું પાડવા માટે ટેકનિકલ ક્ષમતા અને બેન્ડવિડ્થ વધારવાની દિશામાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

(9:13 PM IST)