<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ખાદ્ય બ્રાન્ડ્સનો ખુલ્લો ખેલ: વિદેશમાં સ્વાસ્થ્યના કડક નિયમો, પણ ભારતમાં શા માટે પીરસાય છે ત્રણ ગણી વધુ ખાંડ અને પામ ઓઇલ?

બ્રિટન અને યુરોપમાં કડક 'ટ્રાફિક-લાઇટ' લેબલિંગનું પાલન કરતી મલ્ટીનેશનલ કંપનીઓની બેવડી નીતિ સામે જાગૃત ગ્રાહકો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનો બળવો : દબાણ હેઠળ FSSAI ના નિર્ણય સામે હવે સુપ્રીમ કોર્ટે પણ લીધું કડક વલણ

નવી દિલ્હી:  ભારતના વિશાળ પેકેજ્ડ ફૂડ માર્કેટમાં વિદેશી પ્રોસેસ્ડ ફૂડ કંપનીઓ દ્વારા અપનાવવામાં આવતા 'બેવડા ધોરણો' હવે ગંભીર ચર્ચાનો વિષય બન્યા છે. લંડનમાં વેચાતા એક જ બ્રાન્ડના ફેન્ટાના કેનમાં જે ખાંડનું પ્રમાણ ખૂબ નિયંત્રિત હોય છે, તેનાથી ત્રણ ગણી વધુ ખાંડ ભારતના ગ્રાહકોને પીરસવામાં આવે છે. એટલું જ નહીં, યુરોપમાં મોંઘા સૂર્યમુખી તેલથી બનતી મેગી ભારતમાં સસ્તા પામ ઓઇલથી તૈયાર કરાય છે. યુરોપીય દેશોમાં ટ્રાફિક-લાઇટ વોર્નિંગ સિસ્ટમ સ્વીકારતી કંપનીઓએ ભારતમાં FSSAI પર દબાણ લાવીને લાલ વોર્નિંગ લેબલનો પ્રસ્તાવ અટકાવી દીધો હોવાનો આરોપ છે, કારણ કે લાલ નિશાન આવતા જ તેમના 80 ટકાથી વધુ ઉત્પાદનો અનહેલ્ધી સાબિત થઈ જાય તેમ છે.

આ કંપનીઓ સામે ભારતીય ગ્રાહકો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ હવે આરપારની લડાઈના મૂડમાં છે. 'ફૂડ ફાર્મર' જેવા સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ દ્વારા પેકેજ્ડ ફૂડ પાછળ લખેલા અક્ષરોનું સત્ય જાહેર કરાતાં ભારતીય યુવાનોમાં ભારે જાગૃતિ આવી છે. જે સેરેલેકમાં છેલ્લા 50 વર્ષથી ખાંડ ઉમેરીને વેચવામાં આવતી હતી, તે નેસ્લે કંપનીએ સતત વધતા વિરોધ બાદ 2024માં શુગર-ફ્રી સેરેલેક લોન્ચ કરવું પડ્યું હતું. તેવી જ રીતે 'એનર્જી ડ્રિંક'ના નામે વેચાતા વધુ કેફીન ધરાવતા પીણાંઓ પર પણ કડક સરકારી નિર્દેશો બાદ કંપનીઓએ પોતાના લેબલ બદલવા પડ્યા છે.

આ સમગ્ર મુદ્દો હવે સર્વોચ્ચ અદાલતની પહોંચ સુધી આવ્યો છે. હેલ્થ એક્ટિવિસ્ટ્સ દ્વારા કરાયેલી અરજીઓ બાદ સુપ્રીમ કોર્ટે ખાદ્ય સુરક્ષા નિયમનકાર FSSAIના વલણ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અભ્યાસો અનુસાર, જો ખાંડ, ચરબી અને મીઠાના વધુ પડતા વપરાશ પર કાબૂ નહીં મેળવવામાં આવે તો 2050 સુધીમાં ભારતમાં ઓબેસિટી (મેદસ્વિતા) ધરાવતા નાગરિકોની સંખ્યા 45 કરોડ સુધી પહોંચી શકે છે. સુપ્રીમ કોર્ટની આકરા વલણ બાદ હવે દેશમાં ઉત્પાદનોની આગળના ભાગે સ્પષ્ટ અને સરળ રીતે વાંચી શકાય તેવી લાલ ચેતવણી સિસ્ટમ લાગુ કરવાની માંગ વધુ બુલંદ બની છે.

(10:04 PM IST)