હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરકારના કડક વલણથી ખાંડની કડવાશ દૂર: મિલ માલિકોની મનસ્વીતા પર બ્રેક વાગતાં ભાવમાં ₹૧૨નો મોટો કડાકો
દિલ્હીથી લઈને ગલી-મહોલ્લાના કરિયાણા સ્ટોર્સ સુધી રાહતના સમાચાર: આયાત ખુલ્લી મુકાતાં અને સંગ્રહખોરો સામે લાલ આંખ કરાતાં એક્સ-મિલ ભાવ ₹૬૭થી ઘટીને થઈને ₹૫૫ પર પહોંચ્યા : આગામી દિવસોમાં છૂટક બજારમાં ભાવ ઘટશે

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ગૃહિણીઓનું બજેટ ખોરવનાર અને સામાન્ય લોકોના મોંમાં કડવાશ ઘોળનાર ખાંડના ભાવ પર આખરે સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે. દેશના ખાંડ બજારમાં છેલ્લા ૧૫ દિવસમાં મિલ માલિકો દ્વારા કરવામાં આવેલા મનસ્વી ભાવ વધારાને કારણે અચાનક ભારે ઉછાળો જોવા મળ્યો હતો. એક્સ-મિલ ભાવ પ્રતિ કિલોગ્રામ ₹૬૭ની ઓલ-ટાઇમ હાઇ સપાટીએ પહોંચી જતાં કેન્દ્ર સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ સ્પષ્ટ કર્યું હતું કે બજારમાં આ કૃત્રિમ તંગી અને ભાવ વધારો માત્ર ને માત્ર ખાંડ મિલોની નફાખોરી અને મનસ્વી વલણનું પરિણામ હતું, જેની સીધી અસર જથ્થાબંધ અને છૂટક બજાર પર પડી રહી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને સમજીને કેન્દ્ર સરકારે એક પછી એક બે એવા માસ્ટરસ્ટ્રોક નિર્ણયો લીધા, જેનાથી સંગ્રહખોરો અને મિલ માલિકોના પગ તળેથી જમીન ખસકી ગઈ. બજારમાં પુરવઠો તાત્કાલિક વધારવા માટે સરકારે ખાંડની આયાતને લીલી ઝંડી આપી દીધી, જેનાથી સ્થાનિક બજારમાં અછતનો ભય ક્ષણભરમાં ગાયબ થઈ ગયો. આ સાથે જ સરકારે સટ્ટાબાજી અને ગેરકાયદેસર સ્ટોક કરનારાઓ સામે આકરા કાયદાકીય પગલાં ભરવાની ચેતવણી આપીને કડક ચેકિંગ શરૂ કરાવ્યું. આ બેવડા પ્રહારથી સંગ્રહખોરી પર સંપૂર્ણ બ્રેક વાગી ગઈ અને બજારમાં ખાંડનો જથ્થો છૂટો થવા લાગ્યો.
સરકારી નિર્દેશો અને કડક પગલાંની અસર રાતોરાત બજાર પર જોવા મળી છે અને ખાંડના એક્સ-મિલ ભાવમાં ૧૮%નો મોટો કડાકો બોલી ગયો છે. ₹૬૭ પ્રતિ કિલોથી ઘટીને ભાવ હવે ₹૫૫ પ્રતિ કિલો પર આવી પહોંચ્યા છે, જે સામાન્ય જનતા માટે મોટા આશ્વાસનરૂપ સમાચાર છે. ખાદ્ય સચિવે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જેમ જેમ આયાતી ખાંડ બજારમાં આવશે અને સપ્લાય ચેઇન સંપૂર્ણપણે સામાન્ય થશે, તેમ ભાવમાં હજુ પણ વધુ ઘટાડો નોંધાશે. એક્સ-મિલ ભાવ ઘટતાં જ તેનો સીધો લાભ રિટેલ સ્ટોર્સ સુધી પહોંચશે, જેનાથી આગામી દિવસોમાં તમારા નજીકના કરિયાણાની દુકાને પણ ખાંડ સસ્તા ભાવે મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
