હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૃદ્ધ માતા-પિતાની અણદેખી કરનાર સંતાનો માટે યોગી સરકારનો ચાબુક: ઉત્તર પ્રદેશમાં માતા-પિતા હવે નરાધમ બાળકોને મિલકતમાંથી કરી શકશે બેદખલ
ઉત્તર પ્રદેશ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ નિયમો-૨૦૧૪' માં સુધારો કરીને ડીએમ કચેરી અને પોલીસ તંત્રને આપવામાં આવી આકરા સત્તાધિકારો : ૩૦ દિવસમાં જમીન-મકાન ખાલી કરાવવાની કડક જોગવાઈ સાથે બુઝુર્ગો માટે હેલ્પલાઈન અને ફ્રી બસ મુસાફરીનો ઐતિહાસિક નિર્ણય

લખનૌ : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના વરિષ્ઠ નાગરિકોના સન્માન, સ્વાભિમાન અને કાનૂની સંરક્ષણ માટે એક અત્યંત સંવેદનશીલ પરંતુ આકરો નિર્ણય લીધો છે. યોગી કેબિનેટે "ઉત્તર પ્રદેશ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ નિયમો, ૨૦૧૪" માં વ્યાપક સુધારા કરીને નિયમ ૨૨ હેઠળ નવી કલમો ૨૨A, ૨૨B અને ૨૨C ઉમેરવાની મંજૂરી આપી દીધી છે. આ ઐતિહાસિક સુધારા બાદ, જો કોઈ પુત્ર કે પુત્રી પોતાના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવામાં નિષ્ફળ જાય, તેમની ઉપેક્ષા કરે અથવા તેમની સાથે ગેરવર્તન કે માનસિક ત્રાસ આપે, તો માતા-પિતા તેમને પોતાની મિલકતમાંથી કાયદેસર રીતે બેદખલ (ખાલી) કરાવી શકશે.
નાણામંત્રી સુરેશ ખન્નાએ કેબિનેટ નિર્ણયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે નવી કાનૂની પ્રક્રિયાને અત્યંત સરળ અને આકરી બનાવવામાં આવી છે. જો બુઝુર્ગ માતા-પિતા સાથે અન્યાય થશે તો તેઓ સીધા જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) સમક્ષ ફરિયાદ નોંધાવી શકશે. આ ફરિયાદ પર માત્ર ૩૦ દિવસની અંદર સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો આપવાનો રહેશે. જો કાનૂની આદેશ બાદ પણ સ્વાર્થી સંતાનો મિલકત ખાલી કરવાનો ઇનકાર કરશે, તો સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસન શારીરિક બળનો ઉપયોગ કરીને પણ તેમને ઘરબહાર કાઢી મૂકશે. કલેક્ટરે આવી તમામ ફરિયાદોનો માસિક પ્રોગ્રેસ રિપોર્ટ સીધો રાજ્ય સરકારને સુપરત કરવો પડશે.
વૃદ્ધોને ન્યાય માટે અદાલતોના ચક્કર ન કાપવા પડે તે માટે આ વિશેષ સુધારા કરવામાં આવ્યા છે. આ જ કેબિનેટ બેઠકમાં ૬૦ વર્ષથી વધુ વયની તમામ મહિલાઓ માટે રોડવેઝ બસોમાં નિઃશુલ્ક મુસાફરી માટે સ્માર્ટ કાર્ડ યોજનાને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકો માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન સુવિધા પણ ટૂંક સમયમાં શરૂ કરાશે. સરકારના આ નિર્ણયોથી કળિયુગના એવા સંતાનોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે જેઓ પોતાના માતા-પિતાની સંપત્તિ પર કબ્જો જમાવીને તેમને અનાથ આશ્રમો કે ઘરના ખૂણામાં ધકેલી દેતા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
