<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

સંજય રાઉતે કર્યા રાહુલ ગાંધીના વખાણ : 'રાહુલ ગાંધી રાજકારણમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ કરતા માઈલો આગળ નીકળી ગયા'

દિલ્હીના ૧૦ જનપથ ખાતે રાહુલ ગાંધી સાથેની હાઈપ્રોફાઈલ મુલાકાત બાદ ગઠબંધનના ભવિષ્ય અને મહારાષ્ટ્રની નવી રાજકીય દિશા અંગે આપ્યા મોટા સંકેતો : વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ પર સાધ્યું તીખું નિશાન

નવી દિલ્હી:  દેશના રાજકીય માહોલમાં ગરમાવો લાવતા શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની મુલાકાત લીધા બાદ એક અત્યંત ચોંકાવનારૂં અને આક્રમક નિવેદન આપ્યું છે. નવી દિલ્હી સ્થિત ૧૦ જનપથ પર યોજાયેલી આ મહત્ત્વપૂર્ણ બેઠક બાદ રાઉતે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી સાથેનો ફોટો શેર કરીને ખુલ્લેઆમ દાવો કર્યો છે કે, રાજકીય દ્રષ્ટિકોણ, પ્રજા સાથેનો જોડાણ અને મુદ્દાઓની સમઝ મામલે રાહુલ ગાંધી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરતાં માઈલો આગળ નીકળી ગયા છે. રાઉતના આ નિવેદને દેશભરના રાજકીય વર્તુળોમાં ચર્ચાની નવી શ્રેણી શરૂ કરી દીધી છે.

દિલ્હીમાં યોજાયેલી આ બેઠક માત્ર શુભેચ્છા મુલાકાત ન હતી, પરંતુ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર યોજાયેલી ઊંડી વ્યૂહાત્મક ચર્ચા હતી. રાઉતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તાકીય ખેંચતાણ અને આગામી રાજકીય સમીકરણો અંગે તેમની વચ્ચે વિગતવાર આદાનપ્રદાન થયું હતું. ખાસ કરીને પુણેમાં આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલી ભૂખ હડતાળ અને તેમની શિષ્યવૃત્તિ તથા હોસ્ટેલ સુવિધાઓના પ્રશ્નને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા બદલ રાઉતે રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે રાહુલ ગાંધીના હસ્તક્ષેપ બાદ જ મહારાષ્ટ્રના આદિવાસી બાળકોની પીડા આખા દેશ સામે આવી શકી છે.

વિપક્ષી 'ઈન્ડિયા' ગઠબંધન અને મહારાષ્ટ્રના રાજકારણ માટે આ મુલાકાત અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. સંજય રાઉતે સ્થાનિક સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આદિવાસી વિદ્યાર્થીઓની સમસ્યાઓ ઉકેલવામાં દેવેન્દ્ર ફડણવીસ સરકાર નિષ્ફળ ગઈ છે. રાહુલ ગાંધી એક જનનેતા તરીકે ઉભરી આવ્યા છે અને જનતાના વાસ્તવિક પ્રશ્નોને મજબૂતીથી વાચા આપી રહ્યા છે. ભાજપના ટોચના નેતૃત્વ સામે રાઉતના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે આવનારા દિવસોમાં વિપક્ષી ગઠબંધન વધુ આક્રમક રીતે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે.

(10:04 PM IST)