News of Wednesday, 26th August 2026
વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે પબ્લિક વોટ વાઇબનો પ્રથમ ઓપિનિયન પોલ જાહેર : ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ વચ્ચે કાંટાની ટક્કર - ન્યૂઝફર્સ્ટ
યુપીમાં એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે માત્ર ૦.૧ ટકાનો તફાવત : ઉત્તરાખંડમાં ભાજપ આગળ તો પંજાબમાં આમ આદમી પાર્ટીનો દબદબો યથાવત : ‘વોટ વાઇબ’નો ટ્રેકર-૧ સર્વે

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ): વર્ષ ૨૦૨૭માં દેશના ત્રણ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો આવી ગયો છે. સ્વતંત્ર એજન્સી 'વોટ વાઇબ' દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રથમ ઓપિનિયન પોલ (ટ્રેકર-૧)ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ ઓપિનિયન પોલ મુજબ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોમાંચક અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે, જ્યારે ઉત્તરાખંડમાં ભાજપ અને પંજાબમાં આમ આદમી પાર્ટી મજબૂત સ્થિતિમાં જણાાઈ રહ્યા છે.
ઓપિનિયન પોલના આંકડા અનુસાર ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળના એનડીએ (NDA) ગઠબંધનને ૪૧.૧ ટકા વોટ શેર મળવાનો અંદાજ સેવવામાં આવ્યો છે, જ્યારે અખિલેશ યાદવના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા (INDIA) ગઠબંધનને ૪૧.૨ ટકા વોટ શેર મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ રીતે બંને મુખ્ય દળો વચ્ચે માત્ર ૦.૧ ટકાનો અત્યંત બારીક તફાવત જોવા મળી રહ્યો છે. આ સિવાય માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP)ને ૪.૪ ટકા વોટ શેર મળવાની ધારણા છે.
ઉત્તરાખંડ રાજ્યની વાત કરીએ તો ત્યાં શાસક પક્ષ ભાજપ કોંગ્રેસ કરતાં ૩ ટકાથી વધુ વોટ શેરની સ્પષ્ટ સરસાઈ ધરાવે છે. ઓપિનિયન પોલ મુજબ ઉત્તરાખંડમાં ભાજપને ૩૯.૭ ટકા, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને ૩૬.૩ ટકા અને ઉત્તરાખંડ ક્રાંતિ દળ (UKD)ને ૯.૨ ટકા વોટ શેર મળવાનો અંદાજ વર્તાવાયો છે.
બીજી તરફ પંજાબમાં વર્તમાન શાસક પક્ષ આમ આદમી પાર્ટી (AAP) ૩૬.૭ ટકા વોટ શેર સાથે સૌથી આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ ૨૬.૮ ટકા વોટ શેર સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત પંજાબમાં ભાજપને ૧૩.૬ ટકા, શિરોમણી અકાલી દળ (SAD)ને ૯.૬ ટકા અને શિરોમણી અકાલી દળ અમૃતસર - વારિસ પંજાબ દે [AD (WPD)] ને ૬.૨ ટકા વોટ શેર મળવાનું અનુમાન છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
