હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

વિજયવાડા, તા.26: આંધ્રપ્રદેશના કાકીનાડાથી સામે આવેલા એક હૃદયદ્રાવક અને સનસનાટીભર્યા કિસ્સાએ આખા દેશને સ્તબ્ધ કરી દીધો છે. એક હસતા-રમતા પરિવારે જુલમ અને બ્લેકમેઇલિંગથી કંટાળીને ગોદાવરી નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો ખૌફનાક રસ્તો પસંદ કર્યો હતો. આ કરૂણ ઘટનામાં ૩૪ વર્ષીય કોવુરી સોજન્યા, તેમના અસિસ્ટન્ટ એન્જિનિયર પિતા તિલ્લાપુડી નૂકારાજુ (૬૧) અને માતા મીના (૫૯) નું નદીના પાણીમાં તણાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે ૧૦ વર્ષનો પૌત્ર રિયાંશ પુલની ગ્રીલમાં અટવાઈ જતાં માછીમારો દ્વારા સદનસીબે જીવતો બચાવી લેવાયો હતો.
પોલીસ તપાસમાં આ સમગ્ર સમૂહ આત્મહત્યા પાછળ રાઇફલ શૂટિંગ કોચ શેખ સાદીક ખાનનો હાથ હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પોલીસે હવે આરોપી સાદીક ખાનની ઉત્તર પ્રદેશના મેરઠ ખાતેથી ધરપકડ કરી લીધી છે.
પતિનું શંકાસ્પદ મોત અને જાળમાં ફસાયો પરિવાર
પોલીસને મળેલી સુસાઇડ નોટ મુજબ, આ કરૂણાંતિકાની શરૂઆત ગત જુલાઈ મહિનામાં થઈ હતી. સોજન્યાના પતિ જગદીશ રેડ્ડીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. જગદીશના મોત બાદ સહાનુભૂતિ અને મદદના બહાને રાઇફલ કોચ સાદીક ખાન આ પરિવારના જીવનમાં પ્રવેશ્યો હતો. સોજન્યાએ પોતાની અંતિમ ચિઠ્ઠીમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે સાદીક ખાને જ કેમિકલ પોઇઝન (ઝેર) આપીને તેના પતિ જગદીશની હત્યા કરી હતી!
સુસાઇડ નોટમાં બહાર આવ્યા ધ્રુજાવી દેતા સચ્ચાઈના રહસ્યો
નદીમાં છલાંગ લગાવતા પહેલા નૂકારાજુએ કલેક્ટર અને એસપીને સંબોધીને વોટ્સએપ ગયૂપમાં મોકલેલી સુસાઇડ નોટ અને અન્ય ચિઠ્ઠીઓએ ખળભળાટ મચાવી દીધો છે:
• સંપત્તિ અને કિંમતી સામાન પર કબજો: સાદીક ખાને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમના બેંક એકાઉન્ટ્સ, રોકડ રકમ અને કિંમતી સામાન પોતાના નિયંત્રણમાં લઈ લીધા હતા.
• દીકરી અને દોહિત્રને વેચી દેવાનો પ્લાન: મૃતક માતા મીનાએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, સાદીક ખાન અત્યંત ક્રૂર છે. તેમણે એક ફોન કોલ સાંભળ્યો હતો જેમાં સાદીક પોતાની સાથી સાથે વાત કરી રહ્યો હતો કે તમામ પ્રોપર્ટી સોજન્યાના નામે ટ્રાન્સફર થઈ જાય એટલે તે આખી સંપત્તિ હડપી લેશે અને સોજન્યા તથા તેના ૧૦ વર્ષના પુત્રને વેચી દેશે!
• ધર્મ પરિવર્તનનું દબાણ: પોલીસે સુસાઇડ નોટના આધારે બ્લેકમેઇલિંગ, નાણાકીય શોષણ ઉપરાંત ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરાતું હોવાના કોણ પર તપાસ શરૂ કરી છે.
પુલ પરથી છલાંગ અને માસુમનો બચાવ
૧૭ ઓગસ્ટના રોજ પરિવાર કાકીનાડાથી કાર લઈને રાજમંડ્રી પાસે ગોદાવરી નદીના બ્રિજ પર પહોંચ્યો હતો. મોડી રાત્રે માતા-પિતાએ પહેલા નદીમાં ઝંપલાવ્યું, ત્યારબાદ સોજન્યા પોતાના ૧૦ વર્ષના પુત્ર રિયાંશ સાથે કૂદી પડી હતી. જોકે, કૂદતી વખતે બાળકનો શર્ટ બ્રિજની લોખંડની ગ્રીલમાં ફસાઈ ગયો હતો. બ્રિજ પરથી પરિવારની કાર અને ચંપલ મળી આવતા જ પોલીસે તાત્કાલિક સ્થાનિક માછીમારોને એલર્ટ કર્યા હતા, જેમણે નદીમાં પડેલા માસુમ રિયાંશને હેમખેમ બહાર કાઢી લીધો હતો.
મેરઠથી આરોપી સાદીક ખાનની ધરપકડ, SIT ની રચના
બનાવની ગંભીરતાને ધ્યાને રાખી કાકીનાડા એસપી બિંદુ માધવે ખાસ SIT ટીમની રચના કરી હતી. આરોપી સાદીક ખાન ભાગીને ઉત્તર પ્રદેશના મેરઠ પહોંચી ગયો હતો. આંધ્રપ્રદેશ પોલીસે યુપી પોલીસની મદદથી ૨૨ ઓગસ્ટના રોજ મેરઠના નૌચંડી વિસ્તારમાંથી સાદીકની ધરપકડ કરી અને ટ્રાન્ઝિટ વોરંટ મેળવી તેને કાકીનાડા લાવવામાં આવ્યો છે.
હાલ પોલીસ સાદીક ખાન વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા ઉપરાંત સોજન્યાના પતિ જગદીશ રેડ્ડીની કથિત ઝેર આપીને કરાયેલી હત્યા મામલે મેડિકલ રિપોર્ટ, સીસીટીવી ફુટેજ અને કોલ ડિટેલ્સના આધારે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM