<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

એનર્જી અને ટેલિકોમ પછી હવે મેટલ સેક્ટરમાં મુકેશ અંબાણીનો ધમાકો: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એલ્યુમિનિયમ ઉત્પાદનમાં પ્રવેશવા તૈયાર, ઓડિશાના બોક્સાઇટ બ્લોક પર નજર!

કોલસા ગેસિફિકેશનના અબજો ડોલરના પ્રોજેક્ટ સાથે એલ્યુમિનિયમ બિઝનેસનું થશે ઇન્ટિગ્રેશન; અદાણી, વેદાંત અને હિન્ડાલ્કો જેવા દિગ્ગજોને મળશે આકરી ટક્કર

 

 

મુંબઈ, તા.26: મુકેશ અંબાણીની આગેવાની હેઠળની દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) હવે ધાતુ (મેટલ) ક્ષેત્રમાં મોટો પગપેસારો કરવાની તૈયારી કરી રહી છે. રિલાયન્સ પોતાના કારોબારી સામ્રાજ્યનો વિસ્તાર કરતા એલ્યુમિનિયમ ઉત્પાદન ક્ષેત્રે સંભવિત પ્રવેશ અંગે ગંભીરતાથી મૂલ્યાંકન કરી રહી છે. જોકે આ યોજના હાલ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ રિલાયન્સ પોતાની આયોજિત કોલસા ગેસિફિકેશન (Coal Gasification) કામગીરીને એલ્યુમિનિયમ ઉત્પાદન સાથે જોડીને બંને બિઝનેસને અત્યંત નફાકારક બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. 

રિલાયન્સની આ ધાતુ મહત્વાકાંક્ષાના ભાગરૂપે માર્કેટ સૂત્રોએ જણાવ્યું છે કે RIL એ ઓડિશા સ્થિત 'કારલાપટ બોક્સાઇટ બ્લોક' માટે ટેન્ડર દસ્તાવેજો ખરીદ્યા છે. લગભગ ૩,૧૦૦ હેક્ટરમાં ફેલાયેલા આ બ્લોકમાં ૨૦૦ મિલિયન ટનથી વધુ બોક્સાઇટનો અનામત જથ્થો રહેલો છે. આ અગાઉ રિલાયન્સ અને અદાણી ગ્રુપ બંનેએ આ બ્લોકમાં રસ દાખવ્યો હતો. 


કોલસા ગેસિફિકેશન અને એલ્યુમિનિયમનું પાવરફુલ કોમ્બિનેશન:
•    આંધ્રપ્રદેશમાં મોટું રોકાણ: રિલાયન્સે આંધ્રપ્રદેશમાં 'રેચરલા' અને 'ચિંતાલાપુડી' નામના બે કોલસા બ્લોક મેળવ્યા છે અને ત્યાં એકીકૃત અંડરગ્રાઉન્ડ કોલસા ગેસિફિકેશન કોમ્પ્લેક્સ માટે ૩૦ વર્ષમાં રૂ. ૨.૭૩ લાખ કરોડના ભવ્ય રોકાણનો પ્રસ્તાવ મૂક્યો છે. 

•    ઊર્જાની બચત: એલ્યુમિના રિફાઇનિંગ અને સ્મેલ્ટિંગ પ્રક્રિયામાં પ્રચંડ પ્રમાણમાં વીજળી અને બળતણની જરૂર પડે છે. 

•    સિન્ગાસનો ઉપયોગ: કોલસા ગેસિફિકેશન દ્વારા ઉત્પન્ન થતા 'સિન્ગાસ' (Syngas) નો ઉપયોગ રિલાયન્સ પોતાના એલ્યુમિનિયમ પ્લાન્ટમાં ઔદ્યોગિક બળતણ તરીકે કરશે, જેથી ઉત્પાદન ખર્ચમાં મોટો ઘટાડો થશે. 

ભારતના એલ્યુમિનિયમ સેક્ટરમાં જામશે 'મહામુકાબલો':
ભારતના એલ્યુમિનિયમ ક્ષેત્રમાં રિલાયન્સની એન્ટ્રીથી સ્પર્ધા ચરમસીમાએ પહોંચશે. અગાઉ જુલાઈ મહિનામાં ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઇઝે યુએઈની આઇએચસી (IHC) કંપની સાથે મળીને ઓડિશામાં ૨ મિલિયન ટન ક્ષમતા ધરાવતા એલ્યુમિનિયમ પ્રોજેક્ટ માટે ૧૧.૫ બિલિયન ડોલર (અંદાજે રૂ. ૯૫,૦૦૦ કરોડ) ના રોકાણની જાહેરાત કરી હતી. 

હાલમાં ભારત વિદેશી અને સ્થાનિક સ્તરના સ્થાપિત ઉત્પાદકોના તાબા હેઠળ છે, જેમાં વેદાંત એલ્યુમિનિયમ (૨.૫ મિલિયન ટન વાર્ષિક ક્ષમતા), હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ (૧.૪ મિલિયન ટન) અને સરકારી કંપની નાલ્કો - NALCO (૦.૫ મિલિયન ટન) નો સમાવેશ થાય છે. રિલાયન્સના આ નવા સાહસથી ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે.

(3:49 PM IST)