<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

પશ્ચિમ બંગાળમાં SIR વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં: શું રાજ્યમાં ફરીથી યોજાશે વિધાનસભા ચૂંટણી? સીજેઆઈની બેન્ચે વ્યક્ત કરી ગંભીર ચિંતા!

ટ્રિબ્યુનલે કપાત કરાયેલા ૯૦ ટકા નામોને યોગ્ય ગણાવતા મામલો ગંભીર બન્યો; તૃણમૂલ કોંગ્રેસે કલમ ૧૪૨ હેઠળ સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયની કરી અપીલ

નવી દિલ્હી, તા.૨૬: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ પહેલાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ દરમિયાન મતદાર યાદીમાંથી મોટા પાયે કપાયેલા નામોને લઈને સર્જાયેલો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ બાગચીની બેન્ચ સમક્ષ આ મામલે તીખી દલીલો થઈ હતી. સુનાવણી દરમિયાન બેન્ચે સવાલ ઉઠાવ્યો હતો કે, "શું આ અદાલત કાયદાકીય રીતે નવી સિરેથી ચૂંટણી યોજવાનો નિર્દેશ આપી શકે છે?"

 

વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને કોર્ટને જણાવ્યું કે બંગાળમાં SIR સંબંધિત કુલ ૩૮ લાખ કેસ દાખલ થયા હતા, જેમાં ૩૧ લાખ કેસ નામ કઢાવવા માંગતા લોકોના અને ૭ લાખ કેસ નામ બચાવવા માંગતા લોકોના હતા. અત્યાર સુધીમાં ટ્રિબ્યુનલે ૮૩ હજાર કેસોમાં ચુકાદો આપ્યો છે, જેમાંથી આશરે ૭૫ હજાર કેસો (લગભગ ૯૦ ટકા) માં નામો કાપવાને ખોટું ગણાવ્યું છે. જો આ ડેટાને સેમ્પલ ગણવામાં આવે તો પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.


 

૩૧ બેઠકો પર જીતનું માર્જિન SIR માં કપાયેલા નામો કરતાં ઓછું:

  • તૃણમૂલનો મોટો દાવો: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ વકીલ કલ્યાણ બેનર્જીએ દલીલ કરી હતી કે બાલી, હેમતાબાદ અને સતગછિયા સહિત ૩૧ બેઠકો એવી છે જ્યાં જીતનું માર્જિન SIR માં કાપી નાખવામાં આવેલા મતો કરતાં ઘણું ઓછું હતું.

 

  • મતોની સરખામણી: ટીએમસીનો આરોપ છે કે ચૂંટણીમાં ભાજપને ૨ કરોડ ૯૩ લાખ અને ટીએમસીને ૨ કરોડ ૬૦ લાખ મત મળ્યા હતા (માત્ર ૩૦ લાખનો તફાવત). જ્યારે સામે પક્ષે ૩૮ લાખ મતદારોના નામ SIR હેઠળ વિવાદમાં છે.

 

  • જસ્ટિસ બાગચીની ટિપ્પણી: બેન્ચમાં સામેલ જસ્ટિસ જોયમાલ બાગચીએ કહ્યું કે, જો કોઈ બેઠક પર જીતનું અંતર ૫૦ વોટ હોય અને ત્યાં ૧૦૦ મતદારોના નામ ખોટી રીતે કાપી નાખવામાં આવ્યા હોય, તો આ સ્થિતિ ચૂંટણી પરિણામોની માન્યતા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.

 

શું બંધારણીય રીતે ફરી ચૂંટણી થઈ શકે?

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું કે સામાન્ય રીતે બંધારણની કલમ ૩૨૪ મુજબ ચૂંટણી કરાવવાનો અધિકાર ચૂંટણી પંચ પાસે છે અને કલમ ૩૫૬ હેઠળ રાષ્ટ્રપતિ પાસે સરકાર બરખાસ્ત કરવાની સત્તા છે. જોકે, બંધારણની કલમ ૧૪૨ હેઠળ સુપ્રીમ કોર્ટ પાસે 'સંપૂર્ણ ન્યાય' કરવા માટે કોઈ પણ વ્યાપક આદેશ આપવાની વિશેષ સત્તા છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર ગંભીર મામલે ચૂંટણી પંચ પાસે વિગતવાર ડેટા રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.

(5:07 PM IST)