<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

રક્ષાબંધને ઉજ્જૈનમાં દિવ્ય નજારો: બાબા મહાકાલને અર્પિત કરાશે ૨ ફૂટની ભવ્ય રાખડી, ૧.૨૫ લાખ લાડુના મહાભોગથી ગુંજી ઉઠશે ગર્ભગૃહ

શ્રાવણના અંતિમ દિવસે ભસ્મ આરતીમાં પંચામૃત અભિષેક સાથે અનોખી ભક્તિ: પૂજારી પરિવારની મહિલાઓએ ૮ દિવસની મહેનતથી તૈયાર કરી વિશેષ રાખડી

ઉજ્જૈન, તા.૨૬: મધ્યપ્રદેશની પવિત્ર ધર્મનગરી ઉજ્જૈનમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શિવધામ મહાકાલેશ્વર મંદિરમાં આ વખતે રક્ષાબંધનનો તહેવાર અત્યંત દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પ્રભાતે યોજાનારી પ્રખ્યાત ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં બાબા મહાકાલને ૨ ફૂટ લાંબી અને અત્યંત આકર્ષક રાખડી બાંધવામાં આવશે. આ સાથે જ સમગ્ર સૃષ્ટિના પાલનહારને ૧.૨૫ લાખ લાડુનો વિશાળ મહાભોગ ધરાવીને ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરાશે.

 

આઠ દિવસની પ્રેમ-ભક્તિથી તૈયાર થઈ રેશમી રાખડી

પરંપરા અનુસાર આ વિશેષ રાખડી મહાકાલ મંદિરના પૂજારી પરિવારની મહિલાઓ દ્વારા પોતાના હાથે જ તૈયાર કરવામાં આવી છે. આ રાખડી બનાવવા માટે રેશમી દોરા, સ્પંજ, સુંદર આભૂષણો અને ખાસ કાપડનો ઉપયોગ કરાયો છે. મહિલાઓએ સતત ૮ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પરિશ્રમ કરીને આ ૨ ફૂટની વિરાટ રાખડી તૈયાર કરી છે, જે ભગવાન મહાકાલના ભવ્ય શૃંગારની શોભા વધારશે.

 

ભદ્રા કાળથી પરે છે કાલજયી મહાકાલ

શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન મહાકાલ સ્વયં 'કાલજયી' છે, એટલે કે તેઓ સમય અને ભદ્રા કે અશુભ મુહૂર્તના બંધનોથી સાવ પર છે. આ જ કારણે રક્ષાબંધનના દિવસે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ-શાંતિની કામના સાથે સૌથી પહેલી રાખડી બાબા મહાકાલને જ અર્પણ કરવાનો અનાદિ કાળથી મહિમા રહ્યો છે.

 

ભસ્મ આરતી વખતે બાબા મહાકાલનો પંચામૃત અભિષેક કરી દિવ્ય શૃંગાર કરાશે અને ત્યારબાદ આ રાખડી ધરીને સમગ્ર પરિસરમાં બાબાના જયઘોષથી શ્રદ્ધાળુઓ લીન થઈ જશે.

 

(5:29 PM IST)