<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

નેપાળમાં જળપ્રલય બાદ હવે બિહાર પર પૂરનું ભારે જોખમ: ગંડક નદીમાં ૩ મીટર ઊંચા મોજાં ઉછળવાની ભીતિ, વહીવટીતંત્ર હાઈએલર્ટ પર

ગંડક બેરેજના તમામ ૩૬ દરવાજા ખોલી દેવાયા: ગોપાલગંજ અને મુઝફ્ફરપુરમાં NDRF-SDRF ટીમો તૈનાત, નાગરિકોને એલર્ટ રહેવા અપીલ

પટના, તા.૨૬: નેપાળના કેચમેન્ટ વિસ્તારોમાં થયેલા વિનાશક પૂર અને તિબેટ સરહદે બનેલી ગ્લેશિયર સંબંધિત ઘટનાઓને કારણે બિહારમાં પણ પૂરનું ગંભીર સંકટ ઊભું થયું છે. નેપાળની નદીઓમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે બિહારમાંથી પસાર થતી ગંડક નદીમાં જળસ્તર ભયજનક રીતે વધી રહ્યું છે. ગંડક નદીમાં ૩ મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળવાની અને નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂર (Flash Floods) આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્ય વહીવટીતંત્રને હાઈએલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે.

 

ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક અને ઈમરજન્સી નિર્ણયો

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બિહારના મુખ્ય સચિવ પ્રત્યય અમૃતની અધ્યક્ષતામાં એક ઈમરજન્સી ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂરથી પ્રભાવિત થઈ શકે તેવા તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાહત તથા બચાવ કામગીરીની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા અને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

 

ગંડક બેરેજના તમામ ૩૬ દરવાજા ખોલાયા

જળ સંસાધન વિભાગે વાલ્મિકીનગર સ્થિત ગંડક બેરેજના તમામ ૩૬ દરવાજા તેમજ સંકળાયેલી નહેરો દ્વારા પાણીનો ઝડપી નિકાલ કરવા આદેશ આપ્યો છે. વિભાગના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર અને ટેકનિકલ ટીમો સતત પાળાઓ (Embankments) અને નદીના જળસ્તર પર ૨૪ કલાક નિરીક્ષણ રાખી રહી છે. પટના સ્થિત સિંચાઈ ભવનમાં ચોવીસે કલાક કાર્યરત રહેતો સેન્ટ્રલ ફ્લડ કન્ટ્રોલ રૂમ પણ સક્રિય કરી દેવામાં આવ્યો છે.

 

NDRF અને SDRF ટીમો મોરચે

કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગોપાલગંજ જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે મુઝફ્ફરપુર સહિતના વિસ્તારોમાં બીજી ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે વાતચીત કરીને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

 

તેમજ નેપાળના રાસુવા, નુવાકોટ, ધાડિંગ, ગોરખા, લામજુંગ, તાનાહુ, દોલખા અને સિંધુપાલચોક જેવા કેચમેન્ટ વિસ્તારોમાં પણ પૂરનું એલર્ટ હોવાથી નીચાણવાળા ભારતીય વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

(5:52 PM IST)