<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

રક્ષાબંધને મુંબઈગરાં માટે ખુશખબર: ભાઈ-બહેનના પ્રેમ પર્વે 'BEST' દોડાવશે ૧૩૬ વધારાની બસો, પ્રવાસ બનશે સરળ!

શહેર અને ઉપનગરોમાં ભીડને પહોંચી વળવા પરિવહન તંત્રનો મોટો નિર્ણય: સવારના ૧૦.૩૦ વાગ્યાથી તમામ પ્રમુખ રૂટ પર દોડશે વિશેષ બસો

મુંબઈ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર મુંબઈમાં બહેનો પોતાના ભાઈના ઘરે પહોંચી શકે અને પ્રવાસીઓને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે મુંબઈના 'બેસ્ટ' (BEST) ઉપક્રમે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે શહેર અને ઉપનગરોમાં મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા માટે બેસ્ટ દ્વારા વિવિધ રૂટ પર કુલ ૧૩૬ વિશેષ વધારાની બસો દોડાવવામાં આવશે.

 

સવારે ૧૦.૩૦ વાગ્યાથી દિવસભર સેવાનો લાભ મળશે

આ વિશેષ બસ સેવાઓ સવારના ૧૦.૩૦ વાગ્યાથી શરૂ થઈને સમગ્ર દિવસ દરમિયાન ચાલુ રહેશે. મુંબઈના ભીડભાડવાળા અને પ્રમુખ વિસ્તારોમાં જ્યાં પણ મુસાફરોની સંખ્યા વધુ જોવા મળશે, ત્યાં જરૂરિયાત મુજબ તુરંત જ વધારાની બસો રસ્તા પર ઉતારવામાં આવશે. આ નિર્ણયથી તહેવારના દિવસે રસ્તા પર ભીડમાં અટવાતી ગૃહિણીઓ અને પરિવારજનોને મોટી રાહત મળશે.

 

બસ સ્ટોપ પર અધિકારીઓ હાજર રહેશે

બસ સ્ટેશનો પર વધારાની ભીડને નિયંત્રિત કરવા અને પ્રવાસીઓને યોગ્ય માર્ગદર્શન આપવા માટે બેસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મુખ્ય બસ સ્ટોપ પર ટિકિટ ચેકરો અને પરિવહન અધિકારીઓ (Transport Officers) ખડેપગે હાજર રહેશે. આ અધિકારીઓ સ્થળ પર જ સ્થિતિની સમીક્ષા કરશે અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખશે.

(5:54 PM IST)