News of Wednesday, 26th August 2026
રૂપિયા ૧,૦૦૦ની લાંચ માગવી પડી ભારે: થાણેમાં મહિલા સરકારી વકીલ એસીબીની જાળમાં ફસાઈ, ધરપકડ!
સાયબર-ફાઇનાન્શિયલ ફ્રોડના કેસમાં અનુકૂળ જવાબ રજૂ કરવા વકીલ પાસે કરી હતી માગણી: ૨-૨ વાર છટકામાંથી છટકેલી મહિલા આરોપી સામે છેવટે ગુનો દાખલ

થાણે : થાણે જિલ્લામાંથી ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર ૧,૦૦૦ રૂપિયાની લાંચ લેવાના ચક્કરમાં એક સરકારી અધિકારીને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે. મિલકત સંબંધી અને સાયબર ફ્રોડના કેસોમાં કોર્ટ સમક્ષ પોતાનો અનુકૂળ જવાબ રજૂ કરવા બદલ એડવોકેટ પાસેથી લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (ACB)એ ૩૬ વર્ષીય મહિલા સહાયક સરકારી વકીલની ધરપકડ કરી છે.
શું હતો સમગ્ર મામલો?
ઉલ્હાસનગરમાં જુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સાયબર અને ફાઇનાન્શિયલ ફ્રોડના કેસોમાં ફ્રીઝ (સ્થગિત) કરાયેલું ભંડોળ મુક્ત કરવા માટે બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદી એડવોકેટ પોતાના ક્લાયન્ટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. પરંતુ કોર્ટમાં ફરજ બજાવતા મહિલા સરકારી વકીલે પોતાની જવાબ રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પ્રત્યેક અરજીદીઠ ૫૦૦ રૂપિયા એટલે કે કુલ ૧,૦૦૦ રૂપિયાની લાંચની માગણી કરી હતી.
બે-બે વાર છટકું ગોઠવાયું, શંકા જતાં આરોપીએ નાણાં ન સ્વીકાર્યા
સરકારી અધિકારીની લાંચની માગણીથી કંટાળીને એડવોકેટે તુરંત એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીએ ૬ ઑગસ્ટે કોર્ટ પરિસરમાં સ્વતંત્ર સાક્ષીદારની હાજરીમાં ચકાસણી કરી હતી, જેમાં મહિલા વકીલે લાંચ માગી હોવાનું સાબિત થયું હતું. ત્યારબાદ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ મહિલા અધિકારીને શંકા જતાં તેણે રૂપિયા સ્વીકારવાની ના પાડી દીધી હતી. ૧૧ ઑગસ્ટે ફરીથી અંતિમ આદેશ વખતે પણ છટકું ગોઠવાયું હતું, પરંતુ ફરી શંકા જતાં તેણે નાણાં સ્વીકારવાનું ટાળ્યું હતું.
આખરે, તમામ પુરાવા અને ફરિયાદની કાળજીપૂર્વકની ચકાસણી બાદ એસીબીએ મંગળવારે આરોપી મહિલા સરકારી વકીલ વિરુદ્ધ 'પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ' હેઠળ ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરી લીધી છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
