હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેપાળમાં પૂરનો પ્રચંડ કેર: ૧૮ના મોત, ૧૦૦૦થી વધુ લોકો તણાયાની આશંકા; કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ૧૦૫થી વધુ ભારતીયો ગુમ!
વરસાદ વિના જ કેમ આવી જળપ્રલયની આફત? તિબેટમાં ભૂકંપ બાદ હિમપ્રપાત અને હિમનદી તળાવ ફાટતાં ભોટે કોશી નદીમાં સર્જાઈ વિનાશક તારાજી

કાઠમંડુ : નેપાળના રાસુવા જિલ્લામાં તિબેટ સરહદ તરફથી આવેલા ભયાનક પૂરે પ્રચંડ તબાહી મચાવી છે. રાસુવાના તૈમુરે બજાર અને આસપાસના વિસ્તારોમાં નદીના જળસ્તરમાં અચાનક થયેલા પ્રચંડ વધારાને કારણે અત્યાર સુધીમાં ૧૮ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ૧૦૦૦થી વધુ લોકો પૂરના વહેણમાં તણાઈ ગયા હોવાની આશંકા છે. આ જળપ્રલયમાં કૈલાશ માનસરોવરની યાત્રા માટે નીકળેલા ૧૦૫થી વધુ ભારતીય શ્રદ્ધાળુઓ પણ લાપતા થતાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો છે.
બોર્ડર પર જ ફસાયા ભારતીય યાત્રીઓ
પૂરમાં ફસાયેલા મોટાભાગના ભારતીયો કૈલાશ માનસરોવર યાત્રા અર્થે નેપાળ થઈને તિબેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા હતા. રસુવાગઢી સરહદ પર હાજર આ પ્રવાસીઓ જ્યારે આગળ વધવાની તૈયારીમાં હતા ત્યારે જ કાળમુખા પૂરે સરહદી ગામડાં, રસ્તાઓ અને પુલ-માળખાગત સુવિધાઓનો સફાયો કરી નાખ્યો હતો. સંપર્ક તૂટી જવાને કારણે ભારતીય શ્રદ્ધાળુઓની શોધખોળ માટે રેસ્ક્યૂ કામગીરી તેજ કરવામાં આવી છે.
વરસાદ વગર અચાનક પૂર કેમ આવ્યું? વૈજ્ઞાનિકોનો ખુલાસો
જળવિજ્ઞાન અને હવામાન વિભાગ મુજબ આ વિસ્તારમાં કોઈ ભારે વરસાદ નોંધાયો નહોતો. કાઠમંડુ યુનિવર્સિટીના આબોહવા સંશોધક પ્રોફેસર રિજન ભક્ત કાયસ્થના જણાવ્યા મુજબ, તિબેટ ક્ષેત્રમાં સવારે ૪.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે વિશાળ હિમપ્રપાત (Avalanche) થતાં લહેન્ડે નદીનો પ્રવાહ અચાનક રોકાઈ ગયો હતો અને ત્યારબાદ આ કુદરતી બંધ તૂટતાં પ્રચંડ પૂર ત્રિશૂલી અને ભોટે કોશી નદીમાં ધસી આવ્યું હતું.
હિમનદી તળાવ (Glacial Lake) ફાટવાની પ્રબળ શક્યતા
નિષ્ણાતોના મતે હિમપ્રપાતની સાથે તિબેટ કે નેપાળના ઉચ્ચ પહાડી વિસ્તારોમાં આવેલું હિમનદી તળાવ ફાટવાથી આ તબાહી મચી હોવાની પૂરી શક્યતા છે. ગત વર્ષે ૮ જુલાઈ, ૨૦૨૫ના રોજ પણ આ જ લહેન્ડે નદીમાં સેટેલાઇટ ઇમેજ મુજબ હિમનદી તળાવ ફાટવાના કારણે જ પૂર આવ્યું હતું. હાલ સેટેલાઇટ ડેટાના આધારે પૂરના ચોક્કસ ઉદ્ગમ સ્થાનનું પૃથક્કરણ કરવામાં આવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
