News of Wednesday, 26th August 2026
"સુકેશે માત્ર મર્યાદા ઓળંગી નથી, પણ તેને ધ્વસ્ત કરી નાખી!" સુપ્રીમ કોર્ટના જજ બનીને નીચલી કોર્ટના જજને ધમકાવનાર મહાઠગ સુકેશ ચંદ્રશેખર દોષિત જાહેર
ન્યાયિક પ્રક્રિયા અને સ્વતંત્રતા પર સીધો હુમલો કરવા બદલ તીસ હજારી કોર્ટે સુકેશને ફિટકાર: ૨૭ ઓગસ્ટે સજાની જાહેરાત થવાની શક્યતા

નવી દિલ્હી : ભારતના સૌથી કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખર સામે દિલ્હીની તીસ હજારી કોર્ટે એક ઐતિહાસિક અને આકરો ચુકાદો સંભળાવ્યો છે. સુકેશે સુપ્રીમ કોર્ટના તત્કાલીન ન્યાયાધીશના નામનો ઉપયોગ કરીને નીચલી કોર્ટના મહિલા ખાસ ન્યાયાધીશ પર દબાણ લાવવાનો અને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. ૧૨૧ પાનાના ચુકાદામાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હર્ષિતા મિશ્રાની કોર્ટે નોંધ્યું હતું કે આ કેસ માત્ર છેતરપિંડી કે નકલ કરવાનો નથી, પરંતુ દેશની સમગ્ર ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતા અને સ્વતંત્રતા સાથે ખીલવાડ કરવાનો છે.
પોલીસ કસ્ટડીમાંથી ફોન કરીને જામીન માટે આપ્યા આદેશો!
આ સનસનાટીભર્યો મામલો એપ્રિલ ૨૦૧૭નો છે. ભ્રષ્ટાચારના કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા સુકેશે કસ્ટડી દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને તેના જ કેસની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ જજ પૂનમ ચૌધરીના સત્તાવાર લેન્ડલાઇન અને અંગત ફોન પર કોલ કર્યા હતા. તેણે પોતાને પહેલા સુપ્રીમ કોર્ટના જજના પર્સનલ સેક્રેટરી અને બાદમાં પોતે સુપ્રીમ કોર્ટના જજ બતાવીને સુકેશને વહેલામાં વહેલી તકે જામીન આપવા દબાણ કર્યું હતું. જામીન ન આપે તો ન્યાયાધીશની વ્યાવસાયિક કારકિર્દી બગાડી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
"આ કેસ માનવ હિંમત અને જૂઠાણાની સીમાઓની કસોટી કરે છે"
તીસ હજારી કોર્ટે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે, કેટલાક કેસ કાયદા અને પુરાવાની કસોટી કરે છે, પરંતુ આ કેસ માનવ જૂઠાણાની પરાકાષ્ઠા દર્શાવે છે. કોર્ટે જણાવ્યું કે ગુપ્ત ફોન કોલ, ફેક કોલર આઈડી કે વોઈસ મોડ્યુલેશનનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ ન્યાયાધીશને ચોક્કસ આદેશ આપવા માટે ફરજ પાડી શકે નહીં. કોર્ટે સુકેશને આઈપીસીની કલમ ૧૭૦, ૧૮૯ અને ૫૦૭ હેઠળ દોષિત ઠેરવ્યો છે, જેમાં સજાની સુનાવણી આવતીકાલે, ૨૭ ઓગસ્ટે થવાની શક્યતા છે.
દિલ્હી પોલીસની તપાસ સામે નારાજગી અને સુકેશની હાઈકોર્ટમાં અરજી
સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી પોલીસની ઉપરછલ્લી અને બેદરકાર તપાસ સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કસ્ટડીમાં કોન્સ્ટેબલનો ફોન સુકેશ પાસે કેવી રીતે પહોંચ્યો તે અંગે કોન્સ્ટેબલ મનજીતની ભૂમિકાની નવેસરથી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ, ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ સુકેશે તેના વકીલ મારફતે દિલ્હી હાઈકોર્ટમાં ચુકાદાને પડકારતી અરજી દાખલ કરી છે, જેના પર ૩૧ ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
