<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

કુલગામમાંથી લશ્કર-એ-તૈયબાના ૫ હાઇબ્રિડ આતંકીઓ હથિયારોના મોટા જથ્થા સાથે ધરપકડ

સેના અને પોલીસનું સંયુક્ત ઓપરેશન : મોટી માત્રામાં પિસ્તોલ અને ગ્રેનેડ સહિતનો દારૂગોળો જપ્ત

કુલગામ:  સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા પાંચ હાઇબ્રિડ આતંકીઓની ધડપકડ કરવામાં આવી છે. આ આતંકીઓ સામાન્ય નાગરિકો વચ્ચે છુપાઈને વિસ્તારમાં કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા. ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને સુરક્ષા એજન્સીઓએ ઘાટીમાં લોહિયાળ ષડયંત્રને સમયસર નિષ્ફળ બનાવી દીધું છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ આદિલ હુસેન વાની, સુહેલ અહમદ દાર, એતમાદ અહમદ લવાય, મિહરાજ અહમદ લોન અને સબ્ઝાર અહમદ ખાર તરીકે થઈ છે. આ તમામ સ્થાનિક યુવકો સ્લીપર સેલ તરીકે કાર્યરત હતા અને સરહદ પાર બેઠેલા આતંકી આકાઓના સીધા સંપર્કમાં રહીને રેકી કરવાનું તથા હથિયારો પહોંચાડવાનું કામ કરતા હતા. સુરક્ષા બળોએ તેમની પાસેથી ૨ પીસ્તોલ, ૩ હેન્ડ ગ્રેનેડ, ૧ યુબીજીએલ (અંડર બેરેલ ગ્રેનેડ લોન્ચર), ૨ પીસ્તોલ મેગેઝીન તેમજ એકે-૪૭ ના ૨૧ જીવંત કારતૂસ જપ્ત કર્યા છે.

પોલીસે આ મામલે કાઈમોહ અને સંબંધિત પોલીસ સ્ટેશનોમાં કડક કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન આ આતંકીઓ પાસેથી વિસ્તારના અન્ય સહયોગીઓ અને સરહદ પારથી મળતા ફંડિંગ અંગે મહત્ત્વના ખુલાસા થવાની શક્યતા છે. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન વધુ ઝડપી બનાવ્યું છે જેથી કરીને બાકીના નેટવર્કને પણ સંપૂર્ણપણે નષ્ટ કરી શકાય.

(8:02 PM IST)