હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની મૃત્યુ પામ્યા નથી, પરંતુ અત્યંત ગંભીર રીતે ઘાયલ છે!" – યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સનસનાટીભર્યો દાવો
યુએસ-ઈઝરાયેલના હુમલા બાદ ૬ મહિનાથી જાહેરમાં દેખાયા નથી મોજતબા: ડાબો હાથ અને પગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા હોવાની ટ્રમ્પની ગ્લેન બેક સાથેના ઇન્ટરવ્યુમાં ટિપ્પણી

વોશિંગ્ટન : ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીના ઠેકાણા અને તેમની સ્થિતિ અંગે મહિનાઓથી ચાલી રહેલી વૈશ્વિક અટકળો વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. એક રેડિયો ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમની માહિતી મુજબ મોજતબા ખામેની મૃત્યુ પામ્યા નથી, પરંતુ તેઓ યુદ્ધ દરમિયાન થયેલા હુમલામાં અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા છે.
હુમલામાં શરીરનો ડાબો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત
જાણીતા રેડિયો હોસ્ટ ગ્લેન બેક સાથે ટેલિફોનિક ચર્ચા કરતી વખતે પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, "મને નથી લાગતું કે તેઓ મૃત્યુ પામ્યા છે. તેઓ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના શરીરનો ડાબો ભાગ—હાથ, પગ અને અન્ય અંગો અત્યંત ખરાબ રીતે પ્રભાવિત થયા છે, પરંતુ તેઓ હજુ જીવિત છે." ટ્રમ્પે રમૂજી અંદાજમાં ઉમેર્યું હતું કે જો તેઓ ખરેખર જીવિત ન હોત તો ઈરાન હાલ જે રીતે સ્થિતિ સંભાળી રહ્યું છે તે ઘણું આશ્ચર્યજનક ગણાય.
પિતાની હત્યા બાદ પદ સંભાળ્યું, પણ ૬ મહિનાથી ગાયબ
યુએસ-ઈઝરાયેલના સંયુક્ત લશ્કરી હુમલામાં ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા થયા બાદ તેમના પુત્ર મોજતબા ખામેનીએ દેશની કમાન સંભાળી હતી. સર્વોચ્ચ નેતા બન્યાને છ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં તેઓ એકપણ વાર જાહેરમાં આવ્યા નથી કે તેમની કોઈ તાજી તસવીર સામે આવી નથી. ચાલુ યુએસ-ઈરાન સંઘર્ષ વચ્ચે સર્વોચ્ચ કમાન્ડરની આવી લાંબી ગેરહાજરીને કારણે તેમના મૃત્યુ અથવા સંપૂર્ણ અક્ષમતા અંગે આશંકાઓ સેવાઈ રહી હતી.
નેતૃત્વના ભવિષ્ય અંગે વૈશ્વિક સવાલો
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદને ઈરાનના રાજકીય અને લશ્કરી નેતૃત્વ પર ફરી એકવાર મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે. જોકે, ટ્રમ્પના આ દાવો અંગે ઈરાન સરકાર કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ ટ્રમ્પની આ ટિપ્પણીથી પશ્ચિમ એશિયાના સૈન્ય સમીકરણોમાં ફરી ગરમાવો આવી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
