<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

"શાળા પાસે કચરાનો દરિયો!" CJPના સૌરવ દાસે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ઘેર્યા; સ્થિતિ સુધારવા ૧૫ સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે ગંભીર જોખમ: સમયસર પગલાં નહીં લેવાય તો જન આંદોલન અને કાનૂની કાર્યવાહીની ચીમકી

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં આવેલી સરકારી શાળાઓની આસપાસની ગંદકી અને અસ્વચ્છતાને લઈને રાજકારણ અને જનરોષ ગરમાયો છે. સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) ના અગ્રણી સક્રિયકર્તા સૌરવ દાસે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને પ્રશાસન સામે આકરા પ્રહારો કર્યા છે. શાળાઓની બિલકુલ નજીક કચરાના વિશાળ ઢગલા અને દૂષિત પાણીની સ્થિતિને "કચરાની નદી" ગણાવીને તેમણે સ્થાનિક તંત્રની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે.

 

બાળકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાડ

સૌરવ દાસે મામલાની ગંભીરતા દર્શાવતા જણાવ્યું કે શાળાઓની આસપાસ ફેલાયેલી આ દુર્ગંધ અને ગંદકીને કારણે નાના બાળકો વિવિધ રોગચાળાનો ભોગ બની રહ્યા છે. શાળાએ આવતા અસંખ્ય વિદ્યાર્થીઓ દૂષિત વાતાવરણ વચ્ચે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. પ્રશાસન દ્વારા સ્વચ્છતાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત એ છે કે શાળાના દરવાજા પાસે જ કચરાના પહાડો ખડકાયેલા છે.

 

૧૫ સપ્ટેમ્બર સુધીનું આખરી અલ્ટીમેટમ

મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હી મહાનગરપાલિકાના અધિકારીઓને સીધો પડકાર આપતાં CJP એ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીની આખરી સમયસીમા (Dead Line) નિર્ધારિત કરી છે. આ સમયગાળા દરમિયાન જો શાળાઓની આસપાસથી કચરો હટાવીને વિસ્તારની સંપૂર્ણ સફાઈ કરવામાં નહીં આવે, તો સંગઠન દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શનો અને કાનૂની પગલાં ભરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

 

તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રજામાં ભારે રોષ

સ્થાનિક રહાવાસીઓ અને વાલીઓએ પણ આ મુદ્દે CJP ને સમર્થન આપ્યું છે. વાલીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. હવે જો ૧૫ સપ્ટેમ્બર સુધીમાં નક્કર પરિણામ નહીં મળે, તો દિલ્હીના રસ્તાઓ પર ઉતરીને પ્રશાસન સામે વિરોધ નોંધાવવામાં આવશે.

(8:49 PM IST)