<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

વૈશ્વિક ઉર્જા માર્કેટમાં ભારતનો ડંકો: સાઉદી અરેબિયા અને યુએઈને પછડાટ આપીને કેન્યા માટે સૌથી મોટુ ઓઈલ સપ્લાયર બન્યું

મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધ અને હોર્મુઝમાં સર્જાયેલા પુરવઠા સંકટ વચ્ચે ભારતની મજબૂત રિફાઇનિંગ ક્ષમતા બની આશીર્વાદરૂપ : જુલાઈ ૨૦૨૬માં આફ્રિકામાં ભારતીય તેલ નિકાસમાં ૬૬ ટકાનો વિક્રમી ઉછાળો

નવી દિલ્હી:  પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના ૯૦ ટકાથી વધુ આયાત કરનાર ભારતે વૈશ્વિક ઉર્જા રાજકારણમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી માર્ગો અવરોધાયા બાદ ભારતે અબુ ધાબીની ADNOC અને સાઉદી અરામકો જેવી દિગ્ગજ ઓઈલ કંપનીઓને પાછળ છોડીને કેન્યાના સૌથી મોટા તેલ પુરવઠાકર્તા તરીકે સ્થાન મેળવી લીધું છે. ભારત હવે કેન્યા માટે ગેસોલિન, ડીઝલ, જેટ ફ્યુઅલ અને ફ્યુઅલ ઓઈલનો મુખ્ય અને સૌથી વિશ્વસનીય સ્ત્રોત બનીને ઉભરી આવ્યો છે.

ડલ્લાસ સ્થિત જાણીતા ઉર્જા અર્થશાસ્ત્રી અનસ અલ્હાજી અને કોમોડિટી ડેટા એજન્સી કેપ્લરના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક રાજકીય અસ્થિરતા વચ્ચે ભારતની રિફાઇનિંગ તાકાત પૂરવાર થઈ છે. જુલાઈ ૨૦૨૬ દરમિયાન આફ્રિકા ખંડમાં ભારતની પ્રોસેસ્ડ પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં વાર્ષિક ધોરણે ૬૬ ટકાનો જંગી વધારો નોંધાયો છે. સાઉદી અરેબિયા અને યુએઈ જેવા પરંપરાગત તેલ ઉત્પાદક દેશો જ્યારે પુરવઠો પહોંચાડવામાં પડકારોનો સામનો કરી રહ્યા હતા, ત્યારે ભારતે પોતાના ક્ષમતાપૂર્ણ રિફાઇનરી નેટવર્ક દ્વારા પુરવઠાની સાંકળ તૂટવા દીધી ન હતી.

ઉલ્લેખનીય છે કે ભારત કાચું તેલ આયાત કરીને તેને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પેટ્રોલિયમ ઉત્પાદનોમાં પ્રોસેસ કરવામાં વિશ્વભરમાં અગ્રેસર છે. ઈરાન-અમેરિકા સંઘર્ષના કારણે મધ્ય પૂર્વના સપ્લાય રૂટ્સ ખોરવાતા કેન્યા અને અન્ય આફ્રિકન દેશો માટે ભારતીય નિકાસ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પાડોશી દેશ બાંગ્લાદેશથી લઈને આફ્રિકાના દેશો સુધી ભારતીય ઇંધણની વધતી માંગ એ વાતની સાબિતી છે કે ભારત હવે માત્ર તેલનો મોટો વપરાશકાર જ નથી રહ્યો પરંતુ વૈશ્વિક ઉર્જા સુરક્ષામાં પણ એક નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યો છે.

(9:20 PM IST)