<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

WhatsApp યુઝર્સને સ્કેમ,હેકિંગ અને શંકાસ્પદ કોલથી બચવામાં મળશે મદદ : નવા સિક્યુરિટી ફીચર્સ આવશે

હવે એક જ અકાઉન્ટમાં અનેક Passkey, વધુ મજબૂત Two-Step Verification અને અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સ અંગે વધારાની માહિતી મળશે.

નવી દિલ્હી :WhatsApp એ પોતાના કરોડો યુઝર્સની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે નવા સિક્યોરિટી ફીચર્સ રજૂ કરવાની જાહેરાત કરી છે. મેટા (Meta)ની માલિકીના આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર હવે એક જ WhatsApp અકાઉન્ટ સાથે એકથી વધુ Passkey જોડવાની સુવિધા મળશે. આ ઉપરાંત Two-Step Verificationને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે અને અજાણ્યા નંબર પરથી આવતા કોલ અંગે પણ યુઝર્સને વધુ માહિતી મળશે. WhatsApp નું કહેવું છે કે નવા ફીચર્સથી યુઝર્સને સ્કેમ (Scam), અકાઉન્ટ હેકિંગ અને શંકાસ્પદ કોલ્સથી બચવામાં વધુ મદદ મળશે.

WhatsAppના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં 1 અબજથી વધુ લોકો Passkeyનો ઉપયોગ કરી રહ્યા છે. Passkeyની મદદથી અકાઉન્ટમાં ફરીથી લોગિન કરતી વખતે વેરિફિકેશન કોડ (Verification Code) દાખલ કરવાની જરૂર રહેતી નથી. તેના બદલે યુઝર્સ પોતાના Fingerprint, Face ID અથવા Phone Screen Lockનો ઉપયોગ કરીને અકાઉન્ટને ઍક્સેસ કરી શકે છે. નવા અપડેટ બાદ જો કોઈ યુઝર Android અને iOS બંને ડિવાઇસનો ઉપયોગ કરે છે, તો તે એક જ WhatsApp અકાઉન્ટ માટે એકથી વધુ Passkey ઉમેરી શકશે. આ વિકલ્પ Settings > Account > Passkeysમાં ઉપલબ્ધ રહેશે.

WhatsAppએ Two-Step Verificationમાં પણ મહત્વનો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી યુઝર્સ પોતાના અકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે 6 અંકનો PIN સેટ કરી શકતા હતા. હવે પ્લેટફોર્મ પર યુઝર્સને અક્ષર, નંબર અને Special Charactersનો સમાવેશ કરતો સંપૂર્ણ પાસવર્ડ બનાવવાની સુવિધા મળશે. WhatsApp અનુસાર, આ ફેરફારથી હેકર્સ માટે સિક્યોરિટી માહિતીનો અંદાજ લગાવવો મુશ્કેલ બનશે. કંપનીએ યુઝર્સને 123456 જેવા સરળ અને નબળા પાસવર્ડનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

WhatsApp હવે સેવ ન કરેલા નંબર પરથી આવતા કોલ્સ પણ વધુ માહિતી દર્શાવશે. ખાસ કરીને Android યુઝર્સ જોઈ શકશે કે કોલ કરનાર નંબર અન્ય દેશનો છે કે નહીં અને તે વ્યક્તિ યુઝર સાથે કોઈ WhatsApp ગ્રુપ (WhatsApp Group)માં સામેલ છે કે નહીં. આ માહિતીના આધારે યુઝર નક્કી કરી શકશે કે અજાણ્યો કોલ સ્વીકારવો કે તેને અવગણવો. WhatsAppએ જણાવ્યું છે કે સ્કેમર્સ ઘણીવાર લોકોને ઉતાવળમાં નિર્ણય લેવા અથવા તરત જવાબ આપવા માટે દબાણ કરે છે. તેથી અજાણ્યા કોલર વિશે વધારાની માહિતી યુઝર્સને સાવચેત રહેવામાં મદદ કરી શકે છે.

નવા સિક્યોરિટી ફીચર્સ આવ્યા છતાં WhatsAppની End-to-End Encryption વ્યવસ્થા પર્સનલ મેસેજ અને કોલ્સ માટે અગાઉની જેમ જ ચાલુ રહેશે. એટલે કંપની યુઝર્સની ખાનગી વાતચીતની સુરક્ષા જાળવી રાખવાની સાથે અકાઉન્ટ સિક્યોરિટી પણ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

(12:19 AM IST)