News of Wednesday, 26th August 2026
ચારેય તરફ ધસમસતા પૂરના પાણી અને ધાબા પર ફસાયેલો યુવક: નેપાળ આર્મીએ હેલિકોપ્ટરથી હવામાંથી ઓપરેશન હાથ ધરી યુવકનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ!
ભોટે કોશી નદીમાં અચાનક આવેલી જળપ્રલયની આફતમાં ૩૮૪થી વધુ લોકો ગુમ: નેપાળ સેનાએ જીવના જોખમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધર્યું વિહંગમ રેસ્ક્યૂ ઓપરેશન

કાઠમંડુ : નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરે ચારેય તરફ ભારે તબાહી મચાવી છે. આ ભયાનક કુદરતી આફત વચ્ચે નેપાળ આર્મી દ્વારા કરવામાં આવેલા એક અત્યંત રોમાંચક અને સાહસિક રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ધસમસતા પૂરના પાણી વચ્ચે પોતાના ઘરના ધાબા પર ફસાયેલા એક યુવકને નેપાળી સેનાના હેલિકોપ્ટર અને જવાનોએ હવામાંથી એરલિફ્ટ કરીને મોતના મુખમાંથી બચાવી લીધો હતો.
ટી-શર્ટ હલાવીને મદદ માંગતો હતો યુવક
નેપાળ આર્મી દ્વારા એક્સ (X) પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક બહુમાળી મકાનની ચારેય બાજુ પૂરનું ભયાનક પાણી અને લાકડાં-કચરાનો કાટમાળ ઝડપથી વહી રહ્યો છે. ઘરના ધાબા પર એક યુવક પોતાની ટી-શર્ટ હવામાં હલાવીને આવી રહેલા લશ્કરી હેલિકોપ્ટરને સંકેત આપી રહ્યો હતો. કડક હવામાન અને જોખમી પરિસ્થિતિ વચ્ચે સેનાના હેલિકોપ્ટરે બિલ્ડિંગની બિલકુલ ઉપર આવીને જવાનની મદદથી યુવકને સુરક્ષિત રીતે ઉપર ખેંચી લીધો હતો. સેનાએ કેપ્શનમાં લખ્યું હતું કે, "જ્યાં સંકટ છે, ત્યાં નેપાળી સેના છે."
૩૮૪ લોકો ગુમ: ૧૦૫ ભારતીયો પણ સામેલ
નેપાળ ટુરિઝમ બોર્ડના અહેવાલો મુજબ, રાસુવા અને આસપાસના વિસ્તારોમાં આવેલી આ આફતમાં ૨૯૧ વિદેશી નાગરિકો અને ૯૩ નેપાળી નાગરિકો સહિત આશરે ૩૮૪ લોકો ગુમ થયા છે. આ ગુમ થયેલા લોકોમાં ૧૦૫થી વધુ ભારતીય પ્રવાસીઓ પણ સામેલ છે. તિબેટ સરહદ નજીક ભોટે કોશી નદીમાં સવારે ૯ વાગ્યે અચાનક પૂર આવતા નદી કિનારે આવેલી વસાહતો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ તબાહ થઈ ગયા હતા.
રસ્તાઓ ધ્વસ્ત થતાં હેલિકોપ્ટર જ એકમાત્ર સહારો
પૂર અને ભૂસ્ખલનને કારણે નેપાળ અને ચીનના ગ્યિરોંગ વિસ્તારને જોડતા રસ્તાઓ, પુલો અને વીજળી-સંચાર વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જમીની માર્ગો બંધ થઈ જતાં નેપાળ સેનાએ છત પર, ટેકરીઓ પર કે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવા માટે હેલિકોપ્ટર અને વિશેષ રાહત ટુકડીઓ મેદાનમાં ઉતારી છે. સૈન્ય પ્રશાસને લોકોને અત્યંત સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરી છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
