<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ફિલ્‍મ ‘ટોમ એન્‍ડ ચેરી'માં પેરેન્‍ટીંગનો પ્રેરક મેસેજ : સિધ્‍ધાર્થ રાંદેરીયા

કાલથી વર્લ્‍ડના સિનેમાઘરોમાં છવાઇ જશે : ૧૦ વર્ષના બાળક અને ૭૦ વર્ષના વૃધ્‍ધની દોસ્‍તીની વાત : જંગલના દ્રશ્‍યો અચંબિત કરે છે : ઝી સ્‍ટુડીયોનો સહયોગ નવી ઉંચાઇ અપાવશેઃ અભિનેતા સિધ્‍ધાર્થ રાંદેરીયા, અનુરાગ પ્રપન્‍ન, બાળ કલાકાર ધન્‍યા દોશી, દિગ્‍દર્શક ધર્મેશ મહેતાએ ‘અકિલા' સમક્ષ વર્ણવી રસપ્રદ વિગતો

આવતીકાલે ૨૮ ઓગષ્‍ટથી વિશ્વભરના સિનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહેલ ગુજરાતી ફિલ્‍મ ‘ટોમ એન્‍ડ ચેરી'ની ટીમ ‘અકિલા'ની શુભેચ્‍છા મુલાકાતે આવી હતી. તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ ફિલ્‍મની રસપ્રદ વિગતો વર્ણવતા અભિનેતા સિધ્‍ધાર્થ રાંદેરીયા, અનુરાગ પ્રપન્‍ન, બાળ કલાકાર ધન્‍યા દોશી અને દિગ્‍દર્શક ધર્મેશ મહેતા નજરે પડે છે . (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭ : વધુ એક ગુજરાતી ફિલ્‍મ ‘ટોમ એન્‍ડ ચેરી' આવતીકાલે તા.૨૮ ઓગષ્‍ટથી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.

આ ફિલ્‍મના અભિનેતા સિધ્‍ધાર્થ રાંદેરીયા, અનુરાગ પ્રપન્ન, બાળ કલાકાર ધન્‍યા દોશી, દિગ્‍દર્શક ધર્મેશ મહેતાએ ‘અકિલા'ની શુભેચ્‍છા મુલાકાત દરમિયાન ફિલ્‍મની રસપ્રદ વાતો વર્ણવતી હતી.

નાટક અને ફિલ્‍મોના માધ્‍યમથી દર્શકોમાં છવાઇ ગયેલા શ્રી સિધ્‍ધાર્થ રાંદેરીયાએ જણાવ્‍યુ હતુ કે હાલ ગુજરાતી ફિલ્‍મોનો સારો યુગ ચાલી રહ્યો છે. પરંતુ આ ફિલ્‍મ જરા હટકે બની છે. શીર્ષક ‘ટોમ એન્‍ડ ચેરી' જ ચાડી ખાય જાય છે કે આમા સંતા કુકડીની વાત હશે. આવુ જ કઇક છે. ૭૦ વર્ષના અજાણ્‍યા વૃધ્‍ધ અને ૧૦ વર્ષના બાળક વચ્‍ચે દોસ્‍તી થાય છે અને પછી વાર્તા આગળ વધે છે. આગળ જતા ટર્નીંગ પોઇન્‍ટ આવે છે. જે લોકોએ ફિલ્‍મમાં જ નિહાળવો પડશે.

આમ જોઇએ તો દરેક વર્ગને આ ફિલ્‍મ ગમે તે રીતે નિર્માણ પામી છે. ખાસ કરીને પેરેન્‍ટીંગનો પ્રેરક સંદેશો આપે છે. બાળકોને મોંઘા રમકડાની જરૂર નથી તેને સમય ફાળવો તે જરૂરી હોય છે. એટલે હસતા હસાવતા આ ફિલ્‍મ ગંભીર સંદેશાઓ પણ છોડી જાય છે. જે સમજવા જેવા હોય છે.

ફિલ્‍મના શુટીંગની વાત કરીએ તો ૨૧ દિવસમાં પૂર્ણ કરાયુ હતુ. મોટા ભાગનું શુટીંગ બરોડા અને હાલોલમાં થયુ છે. જેમાં જંગલના દ્રશ્‍યો કંડારવામાં આવ્‍યા છે. એટલે સીન સીનેરી પણ લોકોને અચંબિત કરી દયે તે રીતે શુટ કરવા ખુબ ચિવટ રાખવામાં આવી છે.

તેઓએ જણાવ્‍યુ હતુ કે ઝી સ્‍ટુડીયોએ નિર્માતાનું કામ સંભાળ્‍યુ એ બહુ મોટી વાત છે. જેનાથી બહુ સારૂ માર્કેટીં થવાની આશા રહે છે. એજ રીતે દીગ્‍દર્શક ધર્મેશ મહેતા છે. જેઓ જય કનૈયાલાલ કી જેવી હીટ ફિલ્‍મો આપી ચુકયા છે. તેમજ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માની શરૂઆત કરનાર પણ તેઓ જ હતા.

નિર્માતા ગોવિંદભાઇ પટેલ છે. જેઓએ ૧૯૯૫માં ગુજરાતી ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્‍મ આપીને રર કરોડનું કલેકશન કર્યુ હતુ. ત્‍યારે તેમના પુત્ર હરેશભાઇ પટેલ અને પૌત્ર રૂચિત પટેલ આ ફિલ્‍મનું નિર્માણ કાર્ય સંભાળી રહ્યા હોય ખુબ સરસ કામ થયુ છે.

ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક સિનેમાને વધુ મજબૂત અને સમળદ્ધ બનાવવા તરફ એક મહત્‍વપૂર્ણ પગલું ભરતાં જાણીતા પ્રોડક્‍શન હાઉસ ઝી સ્‍ટુડિયોઝ આ કૌટુંબિક મનોરંજક ફિલ્‍મ દ્વારા ગુજરાતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં પોતાની સત્તાવાર એન્‍ટ્રીની જાહેરાત કરી છે.

ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્‍મ કૌટુંબિક જીવન, સંબંધોની મીઠાશ, ભરપૂર હાસ્‍ય તથા અનેક અણધાર્યા વળાંકોથી સભર છે. ગુજરાતી ફૅમિલી એન્‍ટરટેનરની આગવી શૈલીને જાળવી રાખીને, આ ફિલ્‍મ કૉમેડી અને ઈમોશનનો અદ્ભુત સમન્‍વય રજૂ કરે છે. નિર્માતાઓનું કહેવું છે કે વાર્તા તમામ ઉંમરના પ્રેક્ષકોને ધ્‍યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને તહેવારોની મોસમ દરમિયાન આખા પરિવાર સાથે બેસીને જોવા માટે આ એક આદર્શ પસંદગી સાબિત થશે

‘ટોમ એન્‍ડ ચેરી'એ ૨૦૨૬ની ગુજરાતી સિનેમાની સૌથી મોટી કૌટુંબિક મનોરંજક ફિલ્‍મોમાંથી એક છે. ધર્મેશ મહેતા જેવા અનુભવી દિગ્‍દર્શક, વિનોદ સરવૈયા અને હુમાયૂન મકરાણીનું લેખન તથા સિદ્ધાર્થ રાંદેરિયા જેવા લોક-યિ કલાકારની જોડી ફરી એકવાર દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે તૈયાર છે. ધીયા ફિલ્‍મવર્ક્‍સ અને એચ.જી. પિક્‍ચર્સ દ્વારા નિર્મિત તથા ઝી સ્‍ટુડિયોઝના જોડાણ સાથે આવી રહેલી આ ફિલ્‍મ ગુજરાતી સિનેમાને રાષ્‍ટ્રીય અને વૈશ્વિક સ્‍તરે વધુ મજબૂત વિતરણ અને વ્‍યાપક પહોંચ અપાવવામાં મદદ કરશે.

ફિલ્‍મનું નિર્માણ ધીયા પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ દ્વારા ધીયા ફિલ્‍મવર્ક્‍સ તથા એચ.જી. પિક્‍ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્‍યું છે. જ્‍યારે હરેશ પટેલ આ ફિલ્‍મના કો-પ્રોડ્‍યુસર છે. વિનોદ સરવૈયા અને હુમાયૂન મકરાણી દ્વારા લિખિત આ ફિલ્‍મને ઝી સ્‍ટુડિયોઝ દ્વારા વિશાળ સ્‍તરે રજૂ કરવામાં આવી રહી છે.

ફિલ્‍મોને લોકો સુધી પહોંચવા માધ્‍યમની જરૂર પડે જે ‘અકિલા' ખૂબ સારી રીતે પુરૂ પાડે છે : રાંદેરીયા

આ તકે સિધ્‍ધાર્થ રાંદેરીયાએ હળવી પળોમાં એવું પણ જણાવ્‍યુ હતુ કે ફિલ્‍મો કેવી છે? તેમાં શું છે? એ બધુ જાણવા માધ્‍યમથી પણ જરૂર પડે છે. ત્‍યારે આવુ માધ્‍યમ ‘અકિલા' ખુબ સારી રીતે પુરૂ પાડે છે. લોકોના આંખ કાન સુધી પહોંચવા ‘અકિલા' જેવા લીડીંગ ન્‍યુઝ પેપરોની ભુમિકા પણ મહત્‍વની બની રહે છે. હિન્‍દી ફિલ્‍મના નિર્માતાઓનું ધ્‍યાન આપણી ગુજરાતી ફિલ્‍મોએ ખેંચ્‍યુ એ બહુ મોટી વાત

આ તકે સિધ્‍ધાર્થ રાંદેરીયાએ જણાવ્‍યુ હતુ કે હવે ગુજરાતી ફિલ્‍મો એટલી સારી બની રહી છે કે હિન્‍દી ફિલ્‍મ નિર્માતાઓનું ધ્‍યાન પણ ગુજરાતી ફિલ્‍મો તરફ ખેંચાયુ છે. કયાં પ૦૦ કરોડથી ૧૦૦૦ કરોડમાં બનતી હિન્‍દી ફિલ્‍મો અને કયાં આપણી પ કરોડમાં બની જતી ગુજરાતી ફિલ્‍મ. છતા ૧૦૦ કરોડ સુધીના કલેકશન સુધી પહોંચતી ગુજરાતી ફિલ્‍મોએ એવુ કઇક કરી બતાવ્‍યુ કે હિન્‍દી ફિલ્‍મ નિર્માતાઓ પણ ગુજરાતી ફિલ્‍મોના અભ્‍યાસ તરફ વળ્‍યા છે.

જો સારી ફિલ્‍મ બનતી હોય તો તેને ઉંચાઇ અપાવવાનું કામ પોતીકા દર્શકોનું

ફિલ્‍મને ઉંચાઇ અપાવવાનું કામ તો તેના પોતીકા દર્શકનું જ હોય છે. જો ગુજરાતી ફિલ્‍મો સારી બનતી હોય તો પહેલા દરેક ગુજરાતીની ફરજ બને છે કે તેને નિહાળવી જ જોઇએ. મલીયામ ફિલ્‍મોને પહેલા મલીયાલી દર્શકો જ પસંદ કરે છે. તો આપણે પણ ગુજરાતી દર્શકોએ ગુજરાતી ફિલ્‍મોને પહેલુ સ્‍થાન આપવું જોઇએ. બધી ફિલ્‍મો સારી જ હોય એવું કહેવાનું નથી થતુ. પરંતુ ગુજરાતીઓ જો ગુજરાતી ફિલ્‍મો નિહાળશે અને મુલ્‍યાંકન કરતા થશે તો તે નવી ઉંચાઇ પામશે. ગુજરાતીમાં બધુ જ છે બસ ફિલમોને વધાવતા શીખી જાય. સારી ફિલ્‍મ કેટલુ કમાય છે એ આકડામાં બધાને રસ પડે છે. પરંતુ એ આકડા દર્શકો જ વધારી શકે.  અભિનય અને અભ્‍યાસ બન્નેને બેલેન્‍સ

કરૂ છુ : બાળ કલાકાર ધન્‍યા દોશી

ફિલ્‍મમાં બાળ કલાકાર તરીકે કામ કરતા ધન્‍યા દોશીએ જણાવ્‍યુ હતુ કે આમ તો હું આ પહેલા પણ બે ત્રણ ફિલ્‍મો કરી ચુકયો છુ. પરંતુ જયારે ‘ટોમ એન્‍ડ ચેરી'માં કામ કરવાની શરૂઆત કરી ત્‍યારે હું થોડો નર્વસ થઇ ગયો હતો. પરંતુ ધીરે ધીરે મારી નર્વસતા દુર થઇ ગઇ. ટીમના દરેક સાથે ફેમીલીયર બની ગયો. અહીં સપોર્ટીંગની વાત મહત્‍વની છે. મને આ ફિલ્‍મમાં કામ કરવાની ખુબ મજા આવી. મારા પિતાશ્રી ફોટોગ્રાફીના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે અને હાલ મારો અભ્‍યાસ અમદાવાદમાં ધો. ૭ માં ચાલુ છે. પરંતુ હું અભ્‍યાસ અને અભિનય બન્નેને સારી રીતે બેલેન્‍સ કરી લવ છુ.

 

(2:49 PM IST)