<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

અમેરિકાના નાગરિક બનવું હવે આસાન નથી! સાડા ત્રણ દાયકા જૂનો કાયદો પાછો આવ્યો: યુએસસીઆઈએસ હવે નાગરિકત્વની અરજી કરનારાઓના પડોશીઓ અને બોસની કરશે 'ગુપ્ત તપાસ'

યુએસ ગ્રીન કાર્ડ ધારકો માટે નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયા વધુ કડક બની; ૩૫ વર્ષ પછી બેકગ્રાઉન્ડ વેરિફિકેશનનો સાડા ત્રણ દાયકા જૂનો નિયમ ફરીથી લાગુ કરાતાં અરજદારોમાં ચિંતાનો માહોલ.

રાજકોટ, તા.૨૭: યુનાઇટેડ સ્ટેટ્સ નાગરિકત્વ અને ઇમિગ્રેશન સેવાઓ (USCIS) દ્વારા અમેરિકન નાગરિક બનવાનું સપનું જોઈ રહેલા હજારો ભારતીયો સહિત વિદેશી નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. યુએસસીઆઈએસ (USCIS) એ નેચરલાઈઝેશન (નાગરિકત્વ) અરજદારો માટે ત્રણ દાયકાથી વધુ સમયથી બંધ રહેલી 'પડોશી અને કાર્યસ્થળ તપાસ' (Neighborhood Checks) ની પ્રક્રિયાને પુનઃશરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા ફેરફારને કારણે હવે અરજદારોએ માત્ર ફિંગરપ્રિન્ટ કે કાગળો પૂરા પાડવાથી જ છુટકારો નહીં મળે, પરંતુ તેમના પાડોશીઓ અને ઓફિસના સહકર્મીઓની પૂછપરછનો પણ સામનો કરવો પડી શકે છે. 


શું છે કાયદાની જોગવાઈ (INA 335(a))? 
ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA) ના સેક્શન 335(a) મુજબ, અમેરિકા સરકારને નાગરિકતા આપતા પહેલા અરજદારની સંપૂર્ણ બેકગ્રાઉન્ડ તપાસ કરવાનો કાનૂની અધિકાર છે. આ નિયમ હેઠળ, નાગરિકતા માટે અરજી કર્યાના છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અરજદાર જ્યાં પણ રહ્યો હોય, કામ કર્યું હોય કે વ્યવસાય કર્યો હોય, તે તમામ સ્થળોની નજીકથી તપાસ કરી શકાય છે. 


૩૫ વર્ષ જૂનો નિયમ ફરી કેમ અમલમાં આવ્યો? 
વર્ષ ૧૯૯૧ થી ઇમિગ્રેશન વિભાગે પડોશીઓની રૂબરૂ તપાસ કરવાની પ્રક્રિયા મોટાભાગે બંધ કરી દીધી હતી અને તેની સામાન્ય છૂટ (General Waiver) આપી દીધી હતી. અત્યાર સુધી સરકાર મુખ્યત્વે એફબીઆઈ (FBI) ફિંગરપ્રિન્ટ, ક્રિમિનલ રેકોર્ડ અને ડિજિટલ સિક્યોરિટી ચેક્સ પર જ નિર્ભર રહેતી હતી. પરંતુ હવે યુએસસીઆઈએસ એ આ સામાન્ય છૂટનો અંત લાવીને કેસ-બાય-કેસ આધારે તપાસ કરવાનો પોતાનો મૂળ અધિકાર પાછો મેળવી લીધો છે. 

ઇમિગ્રેશન નિષ્ણાતો અને વકીલ રાજીવ ખન્નાના જણાવ્યા અનુસાર, "USCIS આ કાનૂની અધિકારનો ઉપયોગ એ ખાતરી કરવા માટે કરી રહ્યું છે કે અરજદાર યુ.એસ. બંધારણના સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન છે કે નહીં અને તેમનું વર્તન સમાજ માટે યોગ્ય છે કે નહીં."


તપાસમાં કોની કોની પૂછપરછ થઈ શકે?
આ નવી નીતિ હેઠળ, જો અધિકારીઓને જરૂર લાગશે તો તેઓ અરજદારના:
•    પડોશીઓ (રહેઠાણના પુરાવા અને વર્તનની ચકાસણી માટે)
•    નોકરીદાતાઓ અને બોસ (રોજગારના ઇતિહાસ માટે)
•    ઓફિસના સહકર્મીઓ અને બિઝનેસ પાર્ટનર્સ (ચારિત્ર્યના મૂલ્યાંકન માટે) 
આ લોકો સાથે સીધી મુલાકાત કરીને કે ઇન્ટરવ્યુ લઈને અરજદારના નૈતિક ચારિત્ર્ય (Good Moral Character) ની તપાસ કરી શકશે.


અરજદારો પર શું અસર પડશે?
જોકે, આ નિયમનો અર્થ એવો નથી કે દરેક અરજદારના ઘરે કે પાડોશી પાસે ઈમિગ્રેશન અધિકારીઓ પહોંચી જશે. પરંતુ હવે કોઈ પણ અરજીને આપોઆપ છૂટછાટ નહીં મળે. અધિકારીઓને જો કોઈ કેસમાં શંકા જણાશે અથવા વધારાના પુરાવાની જરૂર લાગશે, તો તેઓ બેકગ્રાઉન્ડ ચેક લંબાવી શકે છે. આના કારણે નાગરિકત્વની પ્રક્રિયા પૂરી થવામાં વધુ સમય લાગી શકે છે અને અરજદારોએ ચારિત્ર્ય સબંધી વધારાના દસ્તાવેજો કે રેફરન્સ લેટર્સ પણ રજૂ કરવા પડી શકે છે.

(3:55 PM IST)