News of Thursday, 27th August 2026
આંધ્ર પ્રદેશના પલનાડુમાં ગમખ્વાર માર્ગ અકસ્માત: ખાનગી બસે ઓટો રિક્ષાને કચડી, ૭ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત!
વિજયવાડાથી ચેન્નઈ જઈ રહેલી બસે રિક્ષાને ભયાનક ટક્કર મારી; ધાર્મિક પ્રોગ્રામમાં જઈ રહેલા પરિવારો પર કાળનો પંજો, વાહનવ્યવહાર મંત્રીએ વ્યક્ત કર્યું ગહન દુઃખ.

અમરાવતી, તા.27: આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લાના ચિલાકાલુરીપેટ નજીક આજે સવારે એક અત્યંત કાળજું કંપાવી દેનારો ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. વિજયવાડાથી ચેન્નઈ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ બસે ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારતાં રિક્ષાનો કુરચો નીકળી ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં રિક્ષામાં સવાર ૭ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૨ લોકો ગંભીર રીતે ઘવાયાસ છે.
મળતી માહિતી મુજબ, ઓટો રિક્ષામાં સવાર તમામ મુસાફરો કોન્ડા મંજૂરથી વેલ્લોર ખાતે એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન કાળ બનીને આવેલી ખાનગી બસે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભીષણ હતી કે ચીસાચીસથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાબડતોબ પહોંચીને સ્થાનિકોની મદદથી ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલે ખસેડ્યા હતા.
આ કરૂણ દુર્ઘટના અંગે આંધ્ર પ્રદેશના માર્ગ અને પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવી હતી અને હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા તબીબોને સૂચના આપી છે. સરકારે મૃતકોના પરિજનોને શક્ય તમામ આર્થિક સહાય અને મદદ પૂરી પાડવાની પણ ખાતરી આપી છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
