<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

રાત્રિના સમયે અંજાઈ જતી આંખોને મળશે મુક્તિ: એપ્રિલ ૨૦૨૭થી વાહનો માટે કડક બનશે હેડલાઈટના નિયમો, હાઈ-બીમ પર મુકાશે મર્યાદા!

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) દ્વારા મોટર વ્હીકલ નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ; ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની હેડલાઈટની તીવ્રતા (Candela) અને કલર ટેમ્પરેચરમાં કરાશે નોંધપાત્ર ઘટાડો.

નવી દિલ્હી, તા.27: રાત્રિના સમયે સામેથી આવતા વાહનોની અતિશય અંજવાળતી (ગ્લેર) લાઈટોના કારણે સર્જાતા અકસ્માતોને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે મોટા પગલાં ભરવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમોમાં મહત્વના સુધારા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જે મુજબ, એપ્રિલ ૨૦૨૭થી નવાં તમામ ટુ-વ્હીલરમાં ઓટોમેટિક હેડલેમ્પ માત્ર 'લો-બીમ' અથવા 'પાસિંગ-બીમ' મોડમાં જ કામ કરે તે ફરજિયાત બનાવવામાં આવી શકે છે.

 

મંત્રાલય દ્વારા વાહનોની હેડલેમ્પ તીવ્રતા પર પણ આકરા નિયંત્રણો મૂકવાની તૈયારી ચાલી રહી છે. પ્રસ્તાવ મુજબ, ટુ-વ્હીલર માટે હેડલાઈટની મહત્તમ તીવ્રતા ૧,૫૦,૦૦૦ કેન્ડેલાથી ઘટાડીને ૧,૦૦,૦૦૦ કેન્ડેલા કરવામાં આવશે. જ્યારે કાર સહિતના ફોર-વ્હીલર માટે આ મર્યાદા ૨,૨૫,૦૦૦ કેન્ડેલાથી ઘટાડીને ૧,૫૦,૦૦૦ કેન્ડેલા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, હેડલેમ્પ અને ફોગ લેમ્પ માટે મહત્તમ કલર ટેમ્પરેચર ૬,૫૦,૦૦૦ કેલ્વિન (K) નક્કી કરાશે, જેથી આંખોને ખૂંચતી સફેદ અતિ-તેજસ્વી લાઈટોથી અન્ય વાહનચાલકોને મુક્તિ મળે.

 

માર્ગ સલામતી વધારવા માટે આ પ્રસ્તાવમાં બસો અને અન્ય ભારે વાહનો માટે ઉચ્ચ ગુણવત્તાની રિફ્લેક્ટિવ ટેપ લગાવવી ફરજિયાત કરવાનો પણ સમાવેશ થાય છે. રાત્રિના સમયે અને ગાઢ ધુમ્મસમાં રસ્તા પરથી પસાર થતાં મોટા વાહનો દૂરથી જ સ્પષ્ટ દેખાઈ શકે તે હેતુથી આ માપદંડ અમલી બનાવવામાં આવશે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો ૨૦૨૭થી ભારતીય રસ્તાઓ પર રાત્રિની મુસાફરી વધુ સુરક્ષિત બનશે.

(4:06 PM IST)