News of Thursday, 27th August 2026
કેન્દ્રમાં મોદી કેબિનેટના વિસ્તરણ માટે હજુ જોવી પડશે રાહ: પીએમ મોદીના દ્વિપક્ષીય વિદેશ પ્રવાસ અને SCO સમિટ બાદ આકાર લેશે નવું મંત્રીમંડળ!
ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની મહત્વપૂર્ણ મુલાકાતે રવાના થઈ રહ્યા છે વડાપ્રધાન; સંસદના ચોમાસું સત્ર બાદ ભાજપ પ્રમુખ નીતિન નવીનની નવી ટીમ સાથે કેબિનેટ ફેરબદલ અંગે અટકળો તેજ.

નવી દિલ્હી, તા.27: ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા પોતાની નવી ટીમની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે રાજકીય વર્તુળોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટ વિસ્તરણને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સંસદના ચોમાસું સત્ર પહેલાથી જ મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો ચાલી રહી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી દ્વિપક્ષીય વિદેશ પ્રવાસના કારણે હવે કેબિનેટ વિસ્તરણ થોડા દિવસો માટે પાછળ ઠેલાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
વડાપ્રધાન મોદી ૨૮ ઓગસ્ટે ઉઝબેકિસ્તાનની સત્તાવાર રાજ્ય મુલાકાતે રવાના થઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ ૩૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની ૨૬મી વાર્ષિક શિખર પરિષદમાં ભાગ લેશે. યુરેશિયન ક્ષેત્રમાં ભારતની ઊર્જા સુરક્ષા અને આતંકવાદ વિરોધી વ્યુહરચનાની દ્રષ્ટિએ આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. વડાપ્રધાન વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ જ મંત્રીમંડળના વિસ્તરણને આખરી ઓપ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરના મહિનાઓમાં મોદી સરકારના કેટલાક મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને પગલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું, જે બાદ પ્રહલાદ જોશીને આ ખાતાનો વધારાનો પ્રભારો સોંપાયો હતો. આ ઉપરાંત લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પણ રાજીનામા આપેલા છે. વડાપ્રધાનના ભારત પરત ફર્યા બાદ આ ખાલી પડેલી જગ્યાઓ ભરવા સાથે નવા ચહેરાઓને તક મળવાની પૂર્ણ શક્યતા છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
