તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Thursday, 27th August 2026
H1N1, કોવિડ કે ટાઇફોઇડ? બદલાતા હવામાનમાં ત્રણેયના લક્ષણો સમાન: જાણો યોગ્ય સમયે કયો ટેસ્ટ કરાવવો અને જાતે દવા લેવાનું જોખમ!
ઉચ્ચ તાવ અને શરદી-ઉધરસમાં જાતે ડોક્ટર બનવાને બદલે યોગ્ય સમયે યોગ્ય નિદાન જરૂરી; એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી વપરાશ વધી શકે છે ગંભીર આડઅસરો.

નવી દિલ્હી, તા.27: બદલાતા હવામાનની સાથે જ ઘરોમાં બીમારીનો ઉપદ્રવ વધી રહ્યો છે. તાવ, શરદી, ઉધરસ અને શરીરમાં અસહ્ય દુખાવાના કિસ્સાઓમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. સૌથી મોટી ચિંતા એ છે કે આ દિવસોમાં H1N1 (સ્વાઈન ફ્લૂ), કોવિડ-૧૯ અને ટાઇફોઇડના કેસો એકસાથે સામે આવી રહ્યા છે. શરૂઆતના ૨ થી ૩ દિવસમાં આ ત્રણેય ચેપમાં એકસમાન લક્ષણો જોવા મળતા હોવાથી દર્દીઓ માટે સાચો રોગ ઓળખવો અત્યંત મુશ્કેલ બની જાય છે.
નિષ્ણાત તબીબોના જણાવ્યા અનુસાર, H1N1, કોવિડ અને ટાઇફોઇડ ત્રણેયની શરૂઆત તીવ્ર તાવ, શિરદર્દ અને થાકથી થાય છે. H1N1 અને કોવિડમાં શ્વસન સંબંધિત ગળાની તકલીફ વધુ જોવા મળે છે, જ્યારે ટાઇફોઇડ સામાન્ય તાવથી શરૂ થતો બેક્ટેરિયલ ચેપ છે. માત્ર લક્ષણોના આધારે પ્રાથમિક તબક્કામાં તફાવત કરવો અશક્ય હોવાથી દર્દીએ પોતાની જાતે નિદાન કરી લેવાની ભૂલ કરવી જોઈએ નહીં.
યોગ્ય નિદાન માટે ડોક્ટર દર્દીની સ્થિતિ મુજબ ટેસ્ટ સૂચવે છે. H1N1 અને કોવિડ માટે RT-PCR જેવા મોલેક્યુલર ટેસ્ટ કરવામાં આવે છે, જ્યારે ટાઇફોઇડ માટે 'બ્લડ કલ્ચર' સૌથી વધુ યોગ્ય માનવામાં આવે છે. વાઇડલ (Widal) ટેસ્ટના આધારે તરત જ ટાઇફોઇડ માની લેવો અને જાતે જ એઝિથ્રોમાસીન કે એમોક્સિસિલિન જેવી એન્ટિબાયોટિક્સ દવાઓ શરૂ કરી દેવી ગંભીર જોખમ ઊભું કરી શકે છે. વાયરલ ઇન્ફેક્શનમાં એન્ટિબાયોટિક્સ બિનઅસરકારક રહે છે અને તેનાથી શરીરમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સનું જોખમ વધે છે.
જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, અતિશય નબળાઈ કે સતત તાવ ઓછો ન થતો હોય તો ટેસ્ટના રિપોર્ટની રાહ જોયા વગર તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો, ડાયાબિટીસ કે અસ્થમાના દર્દીઓએ આ મોસમમાં વધુ સાવચેતી રાખવી અનિવાર્ય છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
