<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

તિબેટ-નેપાળ સરહદે કુદરતની ભયાનક આફત: ચીનના ૧૦૦થી વધુ નાગરિકો લાપતા થતાં શી જિનપિંગ કાંપી ઊઠ્યા, પીએમ લી કિયાંગ અને પીએએલએ સેના એક્શનમાં!

નેપાળથી ભારત માટે આશાનું કિરણ: ૧૦૦ ભારતીય પ્રવાસીઓ અને ૨૫ ચીની કામદારો સુરક્ષિત મળ્યા; ફ્રેન્ડશિપ બ્રિજ અને માળખાકીય સુવિધાઓ જમીનદોસ્ત.

બેઇજિંગ/કાઠમંડુ, તા.27: તિબેટથી શરૂ થયેલી વિનાશક કુદરતી આફત અને ભૂસ્ખલનના કારણે નેપાળ બાદ હવે ચીનમાં પણ હાહાકાર મચી ગયો છે. નેપાળ-ચીન સરહદ નજીક આવેલા શિઝેંગ સ્વાયત્ત પ્રદેશના ગિરોંગ બોર્ડર પોર્ટ પર કાદવ અને પાણીની વિરાટ દિવાલ ફરી વળતાં ભારે તબાહી સર્જાઈ છે. ચીનના વિદેશ મંત્રાલયે અધિકૃત પુષ્ટિ કરી છે કે આ ભયાનક ભૂસ્ખલન અને પૂરમાં પ્રવાસીઓ તથા યાત્રાળુઓ સહિત ચીનના આશરે ૧૦૦ જેટલા નાગરિકો લાપતા થઈ ગયા છે, જેને પગલે બેઇજિંગમાં ઉચ્ચ સ્તરે દોડધામ મચી ગઈ છે.

 

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાત્કાલિક અસરથી પિપલ્સ લિબરેશન આર્મી (PLA) ની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ અને સશસ્ત્ર પોલીસ ટુકડીઓને યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં જોતરી દીધી છે. રાષ્ટ્રપતિ જિનપિંગે ફસાયેલા લોકોને તાકીદે સુરક્ષિત બહાર કાઢવા અને ઇજાગ્રસ્તોને ત્વરિત તબીબી સહાય પૂરી પાડવા આદેશ આપ્યા છે. વડા પ્રધાન લી કિયાંગે વિદેશ મંત્રાલયને નેપાળ સહિતના સંબંધિત દેશો સાથે સતત સંપર્કમાં રહીને સંયુક્ત રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવાની સૂચના આપી છે, જ્યારે નાયબ વડા પ્રધાન ઝાંગ ગુઓકિંગે પોતે ઘટનાસ્થળે પહોંચી મોનિટરિંગ શરૂ કર્યું છે.

 

આ કુદરતી આફતમાં નેપાળ-ચીન વચ્ચેનો વ્યાપારિક માર્ગ અને ઐતિહાસિક 'ફ્રેન્ડશિપ બ્રિજ' સંપૂર્ણપણે પટવાઈ ગયો છે. મલ્ટી-લેવલ પાર્કિંગો, ઇમારતો, બસો અને પાવર ગ્રીડ કાટમાળમાં દબાઈ ગયા છે. આ ભયાનક સ્થિતિ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર આવ્યા છે. નેપાળી સત્તાવાળાઓએ પૂર બાદ ગુમ થયેલા આશરે ૧૦૦ જેટલા ભારતીય પ્રવાસીઓને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા છે, જ્યારે ૨૫ ચીની કામદારોનો પણ આબાદ બચાવ થયો છે. જોકે, ઉપલા પ્રવાહમાં વધુ એક કૃત્રિમ સરોવર બનવાની આશંકા વચ્ચે સેના અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતત નજર રાખી રહી છે.

(5:08 PM IST)