<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

દિલ્હીમાં એકતરફી પ્રેમ અને લગ્નના દબાણમાં ૨૧ વર્ષીય મોડેલ મુસ્કાનની નૃશંસ હત્યા: જીમ ટ્રેનર ઈમરાને ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંક્યા, આરોપીને પકડવા ૧૫ ટીમો તૈનાત!

લગ્ન કરવાની ના પાડી સંબંધ તોડી નાખતાં જ ગુસ્સામાં અંધ બનેલા આકિબ ઉર્ફે ઈમરાને લીધો જીવ; સીસીટીવી ફૂટેજમાં આરોપી ઘરે પહોંચતો અને નાસતો કેદ.

નવી દિલ્હી, તા.27: રાજધાની દિલ્હીના તિલક નગર વિસ્તારમાં એકતરફી પ્રેમ અને લગ્નના દબાણને કારણે ૨૧ વર્ષીય વિદ્યાર્થીની તથા મોડેલ મુસ્કાનની તેના જ ઘરમાં ઘાતકી રીતે છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મૃતકના ભાઈના જણાવ્યા મુજબ, મોડેલ મુસ્કાન તેના પરિચિત અને પડોશમાં રહેતા જીમ ટ્રેનર આકિબ ઉર્ફે ઈમરાનથી અંતર જાળવવા લાગી હતી, જેનો બદલો લેવા ઈમરાને આ લોહિયાળ ખેલ ખેલ્યો હતો.

 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુસ્કાન અને ઈમરાન છેલ્લા દોઢ વર્ષથી એકબીજાને ઓળખતા હતા. ઈમરાન સતત તેના પર લગ્ન કરવા માટે અસહ્ય દબાણ કરી રહ્યો હતો. પરંતુ મુસ્કાન તેનાથી દૂર જવા માંગતી હોવાથી બંને વચ્ચે તણાવ વધી ગયો હતો. બુધવારે સાંજે તક જોઈને ઈમરાન મુસ્કાનના ઘરમાં ઘૂસી ગયો હતો અને છરી વડે તેના પર આડેધડ હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલી મુસ્કાનને પરિવારજનો તાત્કાલિક જનકપુરીની અમર લીલા હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

 

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફોરેન્સિક ટીમોએ સ્થળ પર પહોંચી પુરાવા એકત્ર કર્યા છે. ઘટનાસ્થળ નજીકના સીસીટીવી (CCTV) ફૂટેજમાં આરોપી ઘટના પહેલાં મુસ્કાનના ઘરમાં પ્રવેગતો અને હત્યા બાદ ફરાર થતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પોલીસે મૃતકના ભાઈના નિવેદનના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટે ૧૫ થી વધુ વિશેષ પોલીસ ટુકડીઓ તૈનાત કરી છે અને તેના સંભવિત છુપાવાના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

(5:29 PM IST)