<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે યોજાશે દ્વિપક્ષીય શિખર વાર્તા: ઊર્જા, ખાતર અને આર્થિક સહયોગ પર રહેશે વિશેષ ધ્યાન!

ઉઝબેકિસ્તાનની બે દિવસીય મુલાકાત બાદ પીએમ મોદી કિર્ગિસ્તાન પહોંચશે; વિદેશ મંત્રી એસ. જયશંકરની મોસ્કો મુલાકાત બાદ બંને વૈશ્વિક નેતાઓની બેઠકની સત્તાવાર જાહેરાત.

નવી દિલ્હી : ભારત અને રશિયા વચ્ચેના સમયપરીક્ષિત રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ બનાવવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ટૂંક સમયમાં દ્વિપક્ષીય વાટાઘાટો યોજાવા જઈ રહી છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે ઓગસ્ટ ૩૧ થી સપ્ટેમ્બર ૧ દરમિયાન યોજાનારી 'શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન' (SCO) સમિટની બાજુમાં (Sidelines) આ મહત્વપૂર્ણ શિખર બેઠક યોજાશે, જે અંગે વિદેશ મંત્રાલયે સત્તાવાર પુષ્ટિ કરી છે.

 

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી ૨૯ અને ૩૦ ઓગસ્ટ દરમિયાન ઉઝબેકિસ્તાનની મુલાકાતે રહેશે. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ સાથે 'વિકસિત ભારત ૨૦૪૭' અને 'ઉઝબેકિસ્તાન-૨૦૩૦' ના સહિયારા વિઝન હેઠળ વેપાર, સંરક્ષણ, ઊર્જા, ડિજિટલ કનેક્ટિવિટી અને એજ્યુકેશન ક્ષેત્રે દ્વિપક્ષીય ભાગીદારી મજબૂત કરવા વાટાઘાટો કરશે. ત્યારબાદ ૩૧ ઓગસ્ટે તેઓ SCO સમિટમાં ભાગ લેવા બિશ્કેક પહોંચશે.

 

તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન પુતિને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઈનના વિઘ્નો વચ્ચે પણ ભારતને કાચા તેલ (ઊર્જા) અને ખાતરનો પુરવઠો સતત જાળવી રાખવાની ખાતરી આપી હતી. પુતિને ભારતીય ખેડૂતો માટે ખાતરનો પુરવઠો વધારવાનું વચન આપ્યું હતું. બિશ્કેકમાં યોજાનારી આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, આર્થિક સહયોગ, સ્થાનિક ચલણમાં ચૂકવણી અને પ્રાદેશિક સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થવાની અપેક્ષા છે.

(6:21 PM IST)